China Covid Protest: ચીનમાં 'ઝીરો કોવિડ પોલિસી'ને લઈને હોબાળો મચી જવા પામ્યો છે. કોરોનાને લઈને બનાવવામાં આવેલા આકરા નિયમોની વિરૂદ્ધમાં લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓના અવાજને દબાવવા માટે પણ બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાંયે સરકાર વિરોધ પ્રદર્શન પર કાબૂ મેળવી શકી નથી.
રિપોર્ટ્સ અનુસાર વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલા વીડિયો અને ફોટોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે વિરોધને લગતી સામગ્રીને વાયરલ કરનારા એકાઉન્ટ્સને પણ આકરા સેન્સર હેઠળ સાયબરસ્પેસ પર મૂકવામાં આવ્યા છે. પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળી રહ્યું છે. જોકે પોલીસને માત આપવા લોકોએ નવો જ કિમીયો શોધી કાઢ્યો છે. પ્રદર્શનકર્તાઓ ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પોલીસને ચકમો આપી હ્યા છે.
ગુઆંગઝૂમાં પોલીસ-વિરોધીઓ વચ્ચે અથડામણ
દક્ષિણ ચીનનાગુઆંગઝૂ શહેરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે નવેસરથી અથડામણો થઈ હતી. અહેવાલ મુજબ મંગળવારે રાત્રે અહીં ઓછામાં ઓછા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સ્થિતિ વણસી રહી છે. જ્યારે ગામમાં ભારે પોલીસ દળ તૈનાત કરાયું છે. અન્ય શહેરોના વિરોધીઓ પણ એકઠા થઈ રહ્યા છે. Twitter પર #hangzhouથી છલકાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ટ્વિટરનો ઉપયોગ ચીનમાં કરી શકાતો નથી.
ટ્વિટર પર #hangzhouનું ઘોડાપૂર
પોલીસથી બચવા માટે કાર્યકરો હવે વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરોધ સાથે સંબંધિત વીડિયો કે ફોટા સેવ કરી રહ્યા છે. ટ્વિટર પર #hangzhouને લઈને રીતસરનું પૂર આવ્યું છે. #hangzhou સોમવાર રાત્રે 9:39 વાગ્યાથી મંગળવારે સવારે 1:19 વાગ્યાની વચ્ચે ઘણો ટ્રેન્ડ થયો હતો. જ્યારે #hangzhou સાથે 10,000 પોસ્ટ્સ (રીટ્વીટ સહિત) ના નમૂનાનું વિશ્લેષણ કરતા એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો.
વિરોધીઓ કોડમાં સંદેશા મોકલી રહ્યાં છે?
સંશોધનમાં સામે આવ્યું છે કે, આ હેશટેગવાળા મોટાભાગના એકાઉન્ટમાં છોકરીઓની તસવીરો હતી. 454 પોસ્ટ્સમાં સુંદર મહિલાઓની તસવીરો સાથે "હું સિંગલ છું, શું હું ટ્વિટર પર પતિ શોધી શકું?"નો સંદેશો જોવા મળે છે. આવી જ રીતે અન્ય કેપ્શન "લવ નેવર ડાઈઝ" તસવીરો સાથે 908 વખત લખવામાં આવ્યું હતું. આ ટ્વીટ અને રીટ્વીટને જોતા લાગે છે કે, આ હેશટેગ સાથેના આવા મેસેજનો ઉપયોગ ખાસ કોડ તરીકે કરવામાં આવી રહ્યો છે.