Hong kong CX880 Flight : ચીનના કબજા હેઠળના આઇલેન્ડ દેશ હોંગકોંગના એરપોર્ટ પરથી ઉડતા વિમાનનું ટાયર ફાટવાની ઘટના ઘટી છે, જોકે આ ઘટનામાં વિમાન જોખમી બનતા બચ્યુ છે. જ્યારે ટાયર ફાટ્યુ ત્યારે વિમાનમાંથી ઈમરજન્સી ઈવેક્યૂએશન દરમિયાન 11 મુસાફરોને ઈજાગ્રસ્ત પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, CX880 એરક્રાફ્ટમાં 17 ક્રૂ મેમ્બર અને 293 મુસાફરો સવાર હતા. આ પ્લેન અમેરિકાના લૉસ એન્જલસ જઈ રહ્યું હતું. ખાસ વાત છે કે, હોંગકોંગથી લૉસ એન્જલસનું અંતર હજારો કિલોમીટરનું છે. ત્યાં જતા વિમાનો પેસિફિક મહાસાગર ઉપરથી ઉડે છે.
કેથે એરલાઈન્સે સોશ્યલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે જ્યારે પ્લેન ટેકઓફ થવા જઈ રહ્યું હતું ત્યારે ક્રૂને કોઈ ટેકનિકલ પ્રૉબ્લેમ નડ્યો હતો, જે પછી ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફ્લાઇટની માહિતી અનુસાર, વધુ હીટ પકડવાના કારણે એરક્રાફ્ટનું ટાયર ફાટી ગયુ હતુ. જ્યારે ક્રૂ-સભ્યોને ટેકનિકલ ખામીની જાણ થઈ ત્યારે પાઈલટનું ધ્યાન કોઈક રીતે મુસાફરોની સાથે વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવા પર હતું. આથી ફાઇવ ડૉર એસ્કેપ સ્લાઇડ્સનો ઉપયોગ કરીને મુસાફરોને એરક્રાફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, આ દરમિયાન 11 મુસાફરો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિમાન કંપનીએ યાત્રીઓ પાસેથી માફી માંગી -
કેથે પેસિફિક એરક્રાફ્ટ CX880ની કેટલીક તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં તે જોઈ શકાય છે કે ત્યાં કેવી સ્થિતિ સર્જાઈ હતી. સાઉથ ચાઈના મૉર્નિંગ પૉસ્ટે કેથે કંપનીને ટાંકીને જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોમાંથી 9 લોકોને હૉસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે બાકીનાની સારવાર ચાલી રહી છે. કેથે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, હાલમાં બે મુસાફરો હૉસ્પીટલમાં દાખલ છે. કેથેએ કહ્યું કે અમે અમારા મુસાફરો અને તેમના પરિવારનું ધ્યાન રાખીશું. આ સાથે એરલાઈને આ ઘટના અંગે મુસાફરોની માફી પણ માંગી હતી.