નવી દિલ્હી: દેશના સરંક્ષણમંત્રી રાજનાથ સિંહે રાફેલને રિસીવ કરવા માટે ફ્રાન્સના પેરિસ પહોંચ્યા છે. ત્યારે અહીં રાજનાથ સિંહે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યૂઅલ મેક્રોન સાથે બેઠક કરી હતી. રાજનાથસિંહ ફ્રાન્સના વાયુસેનાના વિમાનથી બોર્ડોક્સ પહોંચ્યા હતાં, જ્યાં ભારતને પ્રથમ રાફેલ વિમાન સોપવામાં આવ્યું હતું. રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલને રિસીવ કર્યું હતું.




રાજનાથસિંહે પરંપરાગત રીતે શસ્ત્રપૂજનવિધિ કરી હતી. પ્લેન પર ઓમ લખ્યું હતું અને નાળિયેર પણ વધેરવામાં આવ્યું હતું. પ્લેનના ટાયર નીચે લીંબૂ પણ મુકવામાં આવ્યા હતા. શસ્ત્ર પૂજા બાદ ફ્રાન્સના મેરીનેક એરબેઝ પરથી રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલ વિમાનની ઉડાન ભરી હતી. તેમની સાથે દસો એવિએશનના હેડ ટેસ્ટ પાયલટ ફિલિપ ડ્યૂચેટો હતા. આ ઉડાન લગભગ 20 થી 25 મિનિટ ભરી હતી. ઉલ્લેખનીય છે દશેરા પર શસ્ત્ર પૂજાની પરંપરા છે અને ખાસ વાત એ છે કે આજે 87મો વાયુસેના દિવસ છે.


રક્ષામંત્રાલય અનુસાર, રાજનાથ સિંહ મેરીગ્નેકમાં ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે સાથે રાફેલને સોંપવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસર પર ફ્રાન્સના ચીફ સેના અધિકારી અને રાફેલના નિર્માતા દસોલ્ટ એવિએશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.


ફ્રાન્સ પહોંચેલા રાજનાથ સિંહે કહ્યુ કે, સ્વાભાવિક રીતે તમામ કોઇ રાફેલને લઇને ઉત્સાહિત છે. રાફેલ ભારતને સોંપી દેવામાં આવશે. હું આશા રાખું છું કે તમે પણ આ સમારોહના સાક્ષી બનશો. દરમિયાન આ સમારોહમાં ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લે પણ હાજર રહેશે.