વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્ધારા સીરિયામાં લડાઇ ખત્મ કરવાની જાહેરાત બાદ તેમના વહીવટીતંત્રમાં નારાજગી છે. ટ્રમ્પના આ નિર્ણયથી નારાજ અમેરિકાના સંરક્ષણ મંત્રી જિમ મૈટિસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને લખેલી ચિઠ્ઠીમાં તેમણે કહ્યું હતું કે તમારી પાસે એ રસ્તો છે કે તમે એવા સંરક્ષણ મંત્રીને રાખો જે તમારા વિચારો સાથે સહમત હોય. એટલા માટે હું પોતાના પદ પરથી રાજીનામું આપું છું. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વિટ કરી તેની પુષ્ટી કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટમાં લખ્યુ કે, જનરલ જિમ મૈટિસ સારા અંક સાથે નિવૃત થઇ રહ્યા છે. તેમનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરીમાં ખત્મ થશે. છેલ્લા બે વર્ષ સુધી તેમણે મારી સાથે સારુ કામ કર્યું છે. નવા સંરક્ષણ મંત્રીના નામની જલદી જાહેરાત કરવામાં આવશે.
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસ અગાઉ સીરિયામાં આઇએસઆઇએસ પર જીતનો દાવો કર્યો હતો. તેમણે સીરિયામાં રહેલા પોતાના બે હજાર સૈનિકોને પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે. અમેરિકન મીડિયાના મતે જિમ મૈટિસ આ નિર્ણયથી નારાજ થઇને રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં અમેરિકાએ હવે અફઘાનિસ્તાનમાંથી પણ સૈન્ય પાછું બોલાવવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા અફઘાનિસ્તાનથી 14000 સૈનિકો પાછા બોલાવવા પર વિચાર કરી રહ્યુ છે.