નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં ફેલાયેલા ડેલ્ટા વેરિયંટના કારણે ઘણા દેશો પ્રતિબંધ લગાવ્યો હતો. જર્મનીએ કોરોનાના ડેલ્ટા વેરિયંટની પ્રભાવિત ભારત, બ્રિટન અને પોર્ટુગલના પ્રવાસીઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. ભારત અને બ્રિટનમાં ડેલ્ટા વેરિયંટના વધારે કેસ છે. બ્રિટનમાં રોજબરોજ આ વેરિયંટના મામલા વધી રહ્યા છે., જેને લઈ જર્મનીએ થોડા દિવસો પહેલા બ્રિટન સહિત ભારતીય મુસાફરો પર પ્રતિબંધ મુક્યો હતો.
જર્મનીના ભારત ખાતેના રાજદૂત વોલ્ટર લિન્ડેરે કહ્યું કે, આવતીકાલથી જર્મની ભારત સહિત પાંચ દેશોના પ્રવાસીઓ માટે મુકવામાં આવેલો પ્રવેશ પ્રતિબંધ દૂર કરશે અને ટ્રાવેલ નિયમો હળવા કરશે. આ દેશોમાં ડેલ્ટા વેરિયંટ મોટા પાયે ફેલાયો હતો. કોરોના મામલા પર નજર રાખતી અને રિસર્ચ કરતી જર્મનીની જન્સી રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટએ કહ્યું કે, ભારત, નેપાળ, રશિયા, પોર્ટુગલ અને બ્રિટનને ઉચ્ચ સ્તરવાળી શ્રેણીથી હટાવીને ચિંતાજનક વેરિયંટની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જેનાથી હવે આ દેશના નાગરિકોને જર્મનીની યાત્રા કરવામાં સરળતા થશે.
દેશમાં સતત નવમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જ્યારે 51,864 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 553 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 53મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 5 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 75 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર
કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.