Diwali 2023 Holiday New York: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસેથી પરત ફર્યા છે. તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાએ અમદાવાદ અને બેંગ્લોરમાં કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરી હતી. જે બાદ અમેરિકાએ ભારતીયોને વધુ એક મોટી ભેટ આપી ચે. અમેરિકાના ન્યૂયોર્કમાં વસતા ભારતીયોની સંસ્કૃતિને મહત્વ આપતાં અહીંના પ્રશાસને દિવાળીને શાળાઓની જાહેર રજાઓની યાદીમાં સામેલ કરી છે. શહેરના મેયર એરિક એડમ્સે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે શહેરમાં દક્ષિણ એશિયન અને ભારતીય કેરેબિયન સમુદાયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ વર્ષે દિવાળી રવિવાર પર આવી રહી છે.
ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે સોમવારે રજા વિશે ટ્વિટ કરીને માહિતી આપી હતી. એરિકે કહ્યું કે હવેથી લાઇટના તહેવાર દિવાળીના દિવસે ન્યૂયોર્ક શહેરની શાળાઓમાં રજા રહેશે. એસેમ્બલી મેમ્બર જેનિફર રાજકુમાર સહિત અન્ય સમુદાયના નેતાઓએ દિવાળીની રજાના નિર્ણયમાં મને મદદ કરી. જો કે આ કહેવું થોડું વહેલું છે પરંતુ તેમ છતાં દિવાળીની શુભકામનાઓ.
ન્યૂયોર્ક દરેક માટે, તમે ક્યાંથી આવો છો તેની અમને પરવા નથીઃ મેયર એરિક એડમ્સ
મેયર એરિક એડમ્સે વધુમાં ઉમેર્યું હતું કે હવે અસુરક્ષીત અનુભવવાની જરૂર નથી. તમે આ શહેરનો એક ભાગ છો. તમને બહારના વ્યક્તિ તરીકે ગણવામાં આવશે નહીં. ન્યૂયોર્ક દરેક માટે છે. તમે ક્યાંથી આવો છો તેની અમને પરવા નથી. ન્યૂયોર્ક એસેમ્બલી મેમ્બર જેનિફર રાજકુમારે ટ્વિટ કરીને લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે મેયર સાથે નવા કાયદા માટે લડવું એ મારા માટે ગર્વની વાત છે.
ગવર્નરે હજુ સુધી સહી કરી નથી
જો કે આ બિલ પર હજુ ગવર્નર કેથી હોચુલ દ્વારા હસ્તાક્ષર કરવાના બાકી છે. પરંતુ મેયર કહે છે કે તેમને વિશ્વાસ છે કે ગર્વનર બિલ પર સહી કરશે. કેલેન્ડર પર દિવાળીની રજા બ્રુકલિન-ક્વીન્સ ડેનું સ્થાન લેશે. વિદેશી મીડિયા અનુસાર, ન્યૂયોર્કની શાળાઓ 2015થી ઈદ અલ-ફિત્ર અને ઈદ અલ-અદહાની રજાઓ આપી રહી છે.
ન્યૂયોર્કમાં 2 લાખથી વધુ લોકો મનાવે છે દિવાળી
દિવાળી ભારતના મુખ્ય તહેવારો પૈકીનો એક છે. વિશ્વના અનેક શહેરોમાં દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે અને હવે આ લિસ્ટમાં અમેરિકાના ન્યૂયોર્કનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બરના રોજ આવે છે. આ દિવસે રવિવાર છે. ન્યૂયોર્ક સિટીના અધિકારીઓ અનુસાર શહેરમાં 2 લાખથી વધારે લોકો દિવાળી મનાવે છે. આ લોકોમાં હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ લોકો સામેલ છે.