FBI Action Against Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ કોઈ વિદેશી સરકારના સૈન્ય સુરક્ષા અને પરમાણુ ક્ષમતાનું વર્ણન કરતા દસ્તાવેજ પોતાના ઘરે રાખવા મામલે ફસાયા છે. વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ મુજબ, ગયા મહિને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ફ્લોરિડામાં આવેલા ઘરે FBIએ રેડ પાડી હતી અને ઘરની જડતી લીધી હતી. જેમાં એક વિદેશી સરકારના પરમાણુ ક્ષમતાઓ (Nuclear Capability) સહિત એ દેશની સૈન્ય સુરક્ષા વિશેની જાણકારી આપતા દસ્તાવેજ મળ્યા હતા.


અંગ્રેજી સમાચાર પત્ર વોશિંગ્ટન પોસ્ટે આ મામલા સાથે જોડાયેલા સૂત્રના હવાલાથી સમાચાર પ્રકાશિત કર્યા છે. જો કે, આ અહેવાલમાં FBIને મળેલા આ ટોપ સિક્રેટ દસ્તાવેજ કયા દેશના છે અને અમેરિકા સાથે આ દેશના સંબંધો દોસ્તીના છે કે દુશ્મનીના તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. સાથે જ આ સમગ્ર મામલે ટ્રંપના પ્રતિનિધિઓ અને અમેરિકાના ન્યાય વિભાગે હાલ કોઈ નિવેદન કે ટિપ્પણી કરી નથી.


સીનિયર અધિકારી પણ નહી જોઈ શકે આ દસ્તાવેજઃ


અહેવાલમાં કહેવાયું છે કે, કોર્ટના રેકોર્ડ મુજબ FBIએ 8 ઓગષ્ટના રોજ ટ્રમ્પના (Donald Trump) માર-એ-લાગો એસ્ટેટમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન 11 હજારથી વધુ સરકારી દસ્તાવેજ અને ફોટો મળ્યા હતા જે જપ્ત કરાયા હતા. જપ્ત કરાયેલા આ દસ્તાવેજોમાં વિશેષ પરવાનગી વાળા ખુબ જ ખાનગી ઓપરેશનનું વિવરણ હતું. આ દસ્તાવેજોમાંથી કેટલાક દસ્તાવેજ એટલા પ્રતિબંધિત અને ખાનગી હતા કે, બાઈડન પ્રશાસનના કેટલાક સૌથી સિનીયર સુરક્ષા અધિકારીઓને પણ આ દસ્તાવેજની સમિક્ષા કરવા માટે મંજૂરી અપાઈ નહોતી.


શું છે સમગ્ર મામલો?


ડોનાલ્ડ ટ્રંપ ઉપર આરોપ છે કે, જાન્યુઆરી 2021માં વ્હાઈટ હાઉસ છોડતી વખતે તેમણે સરકારી રેકોર્ડ અને દસ્તાવેજ પોતના માર-એ-લાગો લઈ ગયા હતા. આ મામલે અમેરિકાના ન્યાય વિભાગે ટ્રંપ સામે તપાસ શરુ કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક ફેડરલ જજને અનુરોધ કર્યો હતો કે, FBIની તપાસમાં મળેલા દસ્તાવેજની સમીક્ષા કરવા માટે એક માસ્ટરને નિયુક્ત કરવામાં આવે. ફેડરલ જજે ટ્રંપની આ માંગને સ્વિકારીને સંમતિ આપી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, માસ્ટર નિયુક્ત થવાથી ન્યાય વિભાગની તપાસ લાંબી ચાલશે.