અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગયા વર્ષે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા એપ લાવવાની જાહેરાત કરી હતી. 


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ નવા સોશિયલ મીડિયા એપનું નામ "ટ્રુથ સોશિયલ" રાખવામાં આવ્યું છે. જો કે આ એપના હજારો વપરાશકર્તાઓને કેટલીક ગડબડીઓને સામનો કરવો પડી રહ્યો છે. આ સોશિયલ મીડિયા એપ એપ્પલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગયા વર્ષે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા એપ લાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ (TMTG)ના સીઈઓ ડેવિન નૂન્સે કહ્યું કે, ટ્રુથ સોશલ નામની એપ માર્ચના અંત સુધીમાં સંપુર્ણ રીતે ચાલુ થઈ જશે. TMTG નવી સોશિયલ મીડિયા એપની મૂળ કંપની છે. 


ડોનાલ્ડ ટ્રમ્પનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચઃ


સોમવારની સવારે ટ્રુથ સોશિયલે એપ્પલના યુએસ એપ સ્ટોરમાં સૌથી વધુ ડાઉનલોડ થવાની યાદીમાં સ્થાન મેળવ્યું હતું અને ટિકટોક, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામને આ યાદીમાં પાછળ છોડી દીધા હતા. મળતી જાણકારી પ્રમાણે ભારે માંગના કારણે કેટલાક લોકોને પ્રતિક્ષા યાદીમાં રાખવામાં આવ્યા છે અને તે વિશે તેમને મેસેજ કરવામાં આવ્યો છે. ટ્રમ્પને આશા છે કે ગયા વર્ષે ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પર બેન લગાવ્યા બાદ ટ્રુથ સોશિયલથી તેમને ઘણો ફાયદો થશે અને આ એપ લોકોને નવું મંચ પણ આપશે. આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પના દિકરાએ પણ આ સોશિયલ મીડિયા એપ લાવવાના સંકેત આપ્યા હતા. 


ટ્વિટર સહિત ઘણી સોશિયલ મીડિયા કંપનીઓએ ટ્રમ્પને બેન કર્યા હતાઃ


ગયા વર્ષે 6 જાન્યુઆરીના રોજ યુએસ કૈપિટલ પર થયેલ હુમલા બાદ ઘણી સોશિયલ મીડિયા કંપનીઓએ ટ્રમ્પને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવ્યા હતા. ટ્રમ્પ પર આરોપ હતો કે, તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાના ફોલોઅર્સને 2020ની ચૂંટણીના પરિણામને પલટાવા માટે બળ પ્રયોગ કરવા માટે ઉશ્કેર્યા હતા. ટ્વિટર પરથી જ્યારે ટ્રમ્પને હટાવામાં આવ્યા ત્યારે તેમના 89 મિલીયન ફોલોઅર્સ હતા.