વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ ટ્રમ્પે એક વીડીયો બહાર પાડ્યો છે. તેમાં તેમણે ફરી એક વખત કહ્યું કે, આ વાયરસને તે પોતાના જીવન પર હાવી થવા નહીં દે. તેમણે વોલ્ટર રીડ હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સીસનો આભાર માન્યો. રાષ્ટ્રપતિએ કહ્યું કે, હોસ્પિટલમાં કોરોના વાયરસ વિશે તેમણે ઘણું જાણ્યું છે. અમારી પાસે સૌથી વધારે મેડિકલની સુવિધા છે માટે તેનાથી ડરવાની જરૂરત નથી. તેમણે કહ્યું કે, તે સારું અનુભવી રહ્યા છે.
હોસ્પિટલમાંથી રજા મળતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે 'હું આજે સાંજે 6.30 વાગે ગ્રેટ વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી નીકળીશ. હું સારું મહેસૂસ કરી રહ્યો છું. તમારે લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી. તેને તમારા જીવન પર હાવી ન થવા દો. ટ્રમ્પ પ્રશાસન દરમિયાન અમે કેટલીક સારી દવાઓ અને જાણકારીઓ વિક્સિત કરી છે. હું 20 વર્ષ પહેલા જેવું અનુભવ કરતો હતો તેનાથી પણ સારું અનુભવ કરી રહ્યો છું.'
ચૂંટણી ટાણે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટ્રમ્પના પ્રચાર અભિયાન પર સવાલ ઉભા થયા હાત. જો કે ટ્રમ્પે ત્યારે પણ કહ્યું હતું કે તેઓ જલદી સાજા થઈને અભિયાનની કમાન સંભાળશે. ટ્રમ્પ અને તેમના હરિફ જો બિડેન વચ્ચે બીજી ડિબેટ 15 ઓક્ટોબરે મિયામીમાં છે. ટ્રમ્પ અને તેમના સમર્થકોને આશા છે કે તેઓ આ ડિબેટ પહેલા સાજા થઈ જશે.