નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે પહેલાં કરતાં હાલ તણાવની સ્થિતિમાં ઘટાડો આવ્યો છે. આ સિવાય તેમણે એક વખત ફરીથી કહ્યું હતું કે, જો દક્ષિણ એશિયાના બંને પાડોશી દેશો ઈચ્છે તો તેઓ મધ્યસ્થતા કરવા માટે તૈયારી બતાવી છે. ટ્રમ્પનું આ નિવેદન 26મી ઓગસ્ટના રોજ ફ્રાન્સમાં G7માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ બે સપ્તાહ બાદ સામે આવ્યું છે.


આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની સામે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઈ મુદ્દા પર ત્રીજા દેશના હસ્તક્ષેપની જરૂર નથી.

સોમવારે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં મીડિયાકર્મીઓની સામે કહ્યું હતું કે, તમે જાણો છો કે કાશ્મીરને લઈ ભારત અને પાકિસ્તાનમાં તણાવ ચાલી રહ્યો છે. મારું માનવું છે કે બે સપ્તાહ પહેલાં જે તણાવ હતો તેમાં હવે ઘટાડો આવ્યો છે. જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ 370ને ભારત સરકાર દ્વારા નિષ્પ્રભાવી કર્યા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધેલો છે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતાની ઘણીવાર ઈચ્છા વ્યક્ત કરી ચૂકેલા ટ્રમ્પે ફરી એકવાર નિવેદન આપ્યું છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે સ્થિતિની આકરણીને લઈ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, મને બંને દેશોનો સાથ ખૂબ જ સારો લાગે છે. હું તેમની મદદ કરવા માંગું છું, જો તેઓ ઈચ્છે તો. તેઓ જાણે છે કે તેમની સામે આ પ્રસ્તાવ છે.