અશ્વેત વ્યક્તિ જોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ ભડકેલી હિંસાના પડઘા વ્હાઇટ હાઉસ સુધી પડ્યા છે. રવિવારે પથ્થરમારા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષિત બંકરમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસે જ્યારે અશ્વેત વ્યક્તિની ધરપકડ કરી હતી તે સમયનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ કસ્ટડીમાં તેના મોત બાદ મિનેપોલિસમાં હિંસા ભડકી હતી અને બાદમાં તે અનેક રાજ્યોમાં ફેલાઈ હતી.
વોશિંગ્ટનમાં મોટી માત્રામાં લોકો વ્હાઇટ હાઉસ બહાર એકઠા થઈને સૂત્રોચ્ચાર કરતા હતા. દેખાવકારોએ પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને પોલીસ પર ફેંકી હતી. પોલીસે દેખાવકારોને વિખેરવા ટિયર ગેસ છોડ્યા હતા. ઉપરાંત દેખાવકારોએ વ્હાઇટ હાઉસ નજીક શેવલેટ ગાડીમાં આગ લગાડી દીધી હતી. આ ગાડીનો પોલીસ અને સ્પેશિયલ સર્વિસના અધિકારીઓ ઉપયોગ કરે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ દેશમાંથી 1400 દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે.