ન્યૂયોર્કઃ અમેરિકા હ્યુસ્ટન શહેરમાં 22 સપ્ટેમ્બરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાઉડી મોદી રેલીને સંબોધિત કરી રહ્યા હશે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હશે. વ્હાઇટ હાઉસે રવિવારે મોડી રાત્રે આ વાતની પુષ્ટી કરી હતી. આ કાર્યક્રમ ઐતિહાસિક રહેશે કારણ કે ઇતિહાસમાં પ્રથમવાર જ્યારે ભારતીય સમુદાયના 50 હજારથી વધુ લોકો દુનિયાના બે સૌથી મોટા નેતાઓને એક સાથે સાંભળશે. મોદી અને ટ્રમ્પની જોડી પાડોશી દેશ પાકિસ્તાન માટે કોઇ ઝટકાથી ઓછી નથી.


મોદીની મેગા રેલીમાં ટ્રમ્પની હાજરી પાછળ સ્થાનિક કારણ પણ છે. વાસ્તવમાં અમેરિકાના ચોથા સૌથી મોટા શહેર હોવાના કારણે હ્યુસ્ટન એનર્જી કેપિટલ પણ છે. 130 કરોડની વસ્તી ધરાવતો ભારત ઉર્જાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારત પહેલેથી હ્યુસ્ટન પાસેથી મોટી માત્રામાં તેલ અને ગેસ ખરીદી રહ્યો છે. સાઉદીની તેલ કંપની પર ડ્રોન હુમલા બાદ જો ભારતની તેલ સપ્લાય પ્રભાવિત થશે તો હ્યુસ્ટનથી સપ્લાય વધારી શકે છે.

ટેક્સાસમાં 2020માં ચૂંટણી છે. હ્યુસ્ટનમાં દોઢ લાખથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે. આ રાજ્ય 1976થી રિપબ્લિકનને સત્તા આપતું રહ્યુ છે પરંતુ ડેમોક્રેટ્સ પણ પડકાર આપી રહ્યા છે. એવામાં મોદી અને ટ્રમ્પની રેલી મહત્વપૂર્ણ રહેશે. મોદીના મેગા શોમાં લગભગ 60 સાંસદો રિપબ્લિકન અને ડેમોક્રેટ્સના પહોંચી રહ્યા છે.

હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં યોજાનાર આ મેગા ઇવેન્ટમાં 50 હજારથી વધુ ભારતીય-અમેરિકન આવવાની સંભાવના છે. આ સંબંધમાં વ્હાઇટ હાઉસની મીડિયા સચિવ સ્ટેફિનીએ કહ્યું કે, મોદી અને ટ્રમ્પની આ જોઇન્ટ રેલી ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવાની મહત્વપૂર્ણ તક રહેશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે વડાપ્રધાન ઓફિસ તરફથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રમ્પ અને મોદીની કેમેસ્ટ્રી શાનદાર છે. અધિકારી જણાવે છે કે આમંત્રણ મળ્યા બાદ ટ્રમ્પે તરત જ હા  કરી દીધી હતી. બંન્ને વચ્ચે આ વર્ષની ત્રીજી બેઠક રહેશે.