વોશિંગટન: કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યો છે. અનેક દેશો વેક્સીનને લઈને દાવો કરી રહ્યાં છે  તેની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું કે, વેક્સીને લઈને સારા સમાચાર છે. જો કે, તેઓએ વેક્સીન સંબંધિત કોઈ જાણકારી આપી નથી. ટ્રંપના ટ્વીટ બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અમેરિકાથી કોરોના વેક્સીનને લઈ જલ્દીજ સારા સમાચાર મળી શકે છે.




એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકામાં કોરોનાની જે પહેલી વેક્સીન ટ્રાયલ કરવામાં આવી હતી તે વૈજ્ઞાનિકો અનુસાર લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારી રહી છે. આ વેક્સીનનું ટ્રાયલ હવે ફાઈનલ સ્ટેજમાં છે.

આ વેક્સીનને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ્સ ઓફ હેલ્થ એન્ડ મોડર્ના ઈંકમાં ફાઉચીના સહકર્મીઓએ બનાવી છે. 27 જુલાઈની આસપાસ 30 હજાર લોકો પર સંશોધન કરવામાં આવશે કે આ વેક્સીન કોરોનાથી બચવા માટે કેટલી અસરકારક છે. જો કે, મંગળવારે સંશોધનકર્તાઓએ 45 લોકો પર કરેલા શરુઆતી પરીક્ષણના નિષ્કર્ષ જણાવ્યા, જેના પ્રમાણે આ રસીથી રોગ પ્રતિકારક ક્ષમતા વધી છે.

ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં સંશોધનકર્તાઓના હવાલાથી કહેવામાં આવ્યું કે, તેમને સંશોધનમાં જાણવા મળ્યું છે કે, લોકોના લોહીમાં સંક્રમણને ખતમ કરનારી એન્ટી બોડી વિકસિત થઈ ગઈ અને તેનું સ્તર કોવિડ-19થી ઉભરતા લોકોમાં બનેલી એન્ટીબોડી જેવું જ હતું.