Donald Trump Tariff:અમેરિકાએ ભારત સહિત 96 દેશો પર ટેરિફ લાદ્યો છે. જે 7 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે. 'ન્યૂ યોર્ક ટાઈમ્સ' ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, બ્રાઝિલ આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. બ્રાઝિલ પર 50ટકા ટેરિફ લાદવાની ચર્ચા થઈ રહી છે. વ્હાઇટ હાઉસે ગુરૂવારે (31 જુલાઈ) એક નવો આદેશ જાહેર  કર્યો છે. આ મુજબ, ટેરિફને કારણે સીરિયા સૌથી વધુ પ્રભાવિત થશે. તેના પર 41 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા અને પાકિસ્તાન પર 19 ટકા ટેરિફ લાદ્યો છે. ટેરિફ વિશે સંપૂર્ણ માહિતી વ્હાઇટ હાઉસની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે. સીરિયા, લાઓસ, મ્યાનમાર અને સ્વિટ્ઝર્લૅન્ડ પર સૌથી વધુ ટેરિફ લાદવામાં આવ્યો છે. સીરિયા પર 41 ટકા, લાઓસ પર 40 ટકા, મ્યાનમાર પર 40 ટકા અને સ્વિટ્ઝર્લૅન્ડ પર 39 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. ટોચના 10  દેશોની યાદીમાં ઇરાકનો સમાવેશ થાય છે. તેના પર 35 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.

ટેરિફ માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી

ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, નવો ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે, પરંતુ હાલ ભારત અને પાકિસ્તાન સહિત તમામ દેશો માટે ટેરિફનો ખતરો ટળી ગયો છે. હવે તે લગભગ એક અઠવાડિયા પછી લાગુ કરવામાં આવશે. ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. ટ્રમ્પ ટેરિફ દ્વારા દબાણ વધારવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રો સહિત કરાર પર તાત્કાલિક હસ્તાક્ષર કરે, પરંતુ ભારત હજુ સુધી આ માટે તૈયાર નથી.

તમને જણાવી દઈએ કે ટ્રમ્પે દક્ષિણ આફ્રિકા અને અલ્જેરિયા પર 30 ટકા, બાંગ્લાદેશ પર 20 ટકા, કંબોડિયા પર 19 ટકા, કોસ્ટા રિકા પર 15 ટકા અને ઘાના પર 15 ટકા ટેરિફ લાદ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર કરાર પણ અંતિમ સ્વરૂપ મેળવવાનો છે. જોકે, ટેરિફ અંગે સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી.                               

ટ્રમ્પના ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત ટોચના 10 દેશો

સીરિયા - 41%

લાઓસ - 40%

મ્યાનમાર - 40%

સ્વિટ્ઝર્લૅન્ડ - 39%

ઇરાક - 35%

સર્બિયા - 35%

અલ્જેરિયા - 30%

બોસ્નિયા અને હર્ઝેગોવિના - 30%

લિબિયા - 30%

દક્ષિણ આફ્રિકા - 30%