નવી દિલ્હીઃ સાઉદી અરેબિયા સ્થિત દુનિયાની સૌથી મોટી તેલ કંપનીના બે પ્લાન્ટ પર ડ્રોન હુમલો થયો છે. ત્યારબાદ ત્યાં ભયાનક આગ લાગી ગઇ છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. આ હુમલાની હજુ સુધી કોઇએ જવાબદારી લીધી નથી. વાસ્તવમાં સાઉદી અરેબિયાની સરકારી મીડિયાએ ગૃહ મંત્રાલયને ટાંકીને કહ્યું કે, શનિવારે સવારે તેલ કંપની સાઉદી અરામકોના બે તેલ પ્લાન્ટ પર ડ્રોન હુમલો થયો છે. આ બંન્ને પ્લાન્ટ અબ્કૈક અને ખુરૈસ વિસ્તારમાં સ્થિત છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં 10 ડ્રોન મોકલવામાં આવ્યા હતા.


ન્યૂઝ એજન્સી પીટીઆઇના મતે સાઉદી અરેબિયાની પ્રેસ એજન્સીએ કહ્યું કે, અરામકોના ઔધોગિક સુરક્ષા દળો અબ્કૈક અને ખુરૈસ પ્લાન્ટમાં ડ્રોન હુમલાના કારણે લાગેલી આગને ઠારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે. અરામકો કંપની સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ કંપની છે. રેવન્યૂ મામલે તે દુનિયાની સૌથી મોટી તેલ કંપની છે.