વોશિંગ્ટનઃ અમેરિકાની ચુંટણીના અંતિમ દિવસોમાં રિપલ્બીકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપના ચુંટણી પ્રચાર દરમિયાન હંગામો થયો હતો. રેનોના નેવાડામાં ચુંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રંપ ભાષણ કરી રહ્યાં હતા ત્યારે એક વ્યક્તિએ ધમકી આપતા હંગામો શરૂ થયો હતો. આ વ્યક્તિએ પોતાની પાસે બંદુક હોવાનું પણ જાહેર કર્યુ હતુ. આંખમાં આવતા લાઈટના પ્રકાશના કારણે પાંપણો પર હાથ રાખીને ટ્રંપ તેને ધમકી આપનારા વ્યક્તિને જોવાનો પ્રયાસ કરતા હતા તે દરમિયાન સુરક્ષા એજન્સીના લોકો તાત્કાલિક આવ્યા અને ટ્રંપને વાયુ વેગે સ્ટેજ પરથી અંદર લઈ ગયા. આ ઘટના બાદ ટ્રંપને સાંભળી રહેલા તેના ચાહકોમાં અફરા-તફરી મચી ગઈ. શંકાસ્પદ વ્યક્તિને દૂર લઈ જવાયા બાદ થોડી જ વારમાં ટ્રંપ ફરી સ્ટેજ પર આવ્યા અને સિક્રેટ સર્વિસનો આભાર માન્યો. સાથે તેમણે પુરા આત્મવિશ્વાસથી પોતાનું ભાષણ ફરી શરૂ કર્યુ. બીજી તરફ શંકાસ્પદ વ્યક્તિ પાસે કોઈ બંદુક ના હોવાનું સુરક્ષા એજન્સીઓએ જાહેર કર્યુ છે.