Elon Musk Mars Mission: એલોન મસ્કની કંપની સ્પેસએક્સે ચંદ્ર પછી હવે મંગળ મિશન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. શનિવારે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી એલોન મસ્કે મંગળ મિશનની જાહેરાત કરતાં જણાવ્યું કે આગામી બે વર્ષની અંદર સ્પેસએક્સ મંગળ પર પ્રથમ માનવ રહિત સ્ટારશિપ મોકલશે. આ પ્રક્રિયા ત્યારે થશે, જ્યારે પૃથ્વી મંગળ ટ્રાન્સફરની વિન્ડો ખુલશે.


એલોન મસ્કે જણાવ્યું કે પ્રથમ માનવ રહિત સ્ટારશિપ મોકલીને તેની વિશ્વસનીયતાને ચકાસવામાં આવશે, જેમાં જોવાનું છે કે સ્ટારશિપ મંગળ પર કેટલી સુરક્ષિત લેન્ડિંગ કરે છે. જો આ અભિયાન સફળ રહ્યું તો આગામી ચાર વર્ષોમાં સ્પેસએક્સ મંગળ પર માનવયુક્ત અભિયાનની શરૂઆત કરશે. એલોન મસ્કે એક્સ હેન્ડલ પર પોસ્ટ કરતાં કહ્યું કે જો આ બંને અભિયાન સફળ થયા તો મંગળ મિશનમાં વેગ લાવવામાં આવશે.


મંગળ પર આ રીતે બનશે મકાનો


એએનઆઈના અહેવાલ મુજબ, મસ્કે જણાવ્યું કે બધા અભિયાનો સફળ થતાં ગયા તો આગામી 20 વર્ષોમાં મંગળ પર શહેર વસાવવાની યોજના છે. આ દરમિયાન એલોન મસ્કે અનેક ગ્રહો પર જીવન શોધવાની વાત કહી, તેમણે કહ્યું કે આપણે એક જ ગ્રહ પર નિર્ભર નહીં રહેવું જોઈએ. મસ્કે સ્પેસએક્સના કર્મચારીઓને મંગળ પર શહેર વસાવવાની યોજના પર કામ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. અમેરિકન મીડિયા મુજબ, એલોન મસ્કની મંગળ પર નાના ગુંબજ આકારના આવાસો બનાવવાની યોજના છે.


મંગળ પર 10 લાખ લોકોને વસાવવાનો પ્લાન


સ્પેસએક્સની એક અન્ય ટીમ મંગળના પ્રતિકૂળ વાતાવરણનો સામનો કરવા માટે સ્પેસસૂટ બનાવવા પર કામ કરી રહી છે. જ્યારે મેડિકલ ટીમ આ વાત પર રિસર્ચ કરી રહી છે કે મંગળ પર શું માનવી બાળકોને જન્મ આપી શકે છે. મસ્કે વર્ષ 2016માં કહ્યું હતું કે મંગળ પર માનવ વસાહત વસાવવામાં 40થી 100 વર્ષ લાગી શકે છે. જ્યારે હવે તેમણે આગામી 20 વર્ષોમાં જ મંગળ પર શહેર વસાવવાની જાહેરાત કરી દીધી છે. મસ્કનું લક્ષ્ય છે કે લગભગ 10 લાખ લોકોને મંગળ પર વસાવવામાં આવે.


સ્પેસએક્સના ત્રણ ઉડ્ડયન થઈ ચૂક્યા છે અસફળ


એલોન મસ્કે જણાવ્યું કે તેમની કંપની સ્પેસએક્સે રિયુઝેબલ રોકેટ બનાવ્યું છે, જેનાથી એક ગ્રહથી બીજા ગ્રહ પર જવામાં લાગતા ખર્ચને ઘટાડી શકાશે. હાલમાં કોઈપણ ગ્રહ પર જવું ખૂબ જ મોંઘું છે, આને સસ્તું કરવા પર એલોન મસ્કની કંપની કામ કરી રહી છે. સ્પેસએક્સના સૌથી શક્તિશાળી વાહન સ્ટારશિપે આ જ વર્ષે જૂન મહિનામાં સફળ ઉડ્ડયન ભર્યું હતું. આ વિમાનને ટેક્સાસમાં એક ખાનગી સ્ટારબેસથી લોન્ચ કરવામાં આવ્યું હતું, જેની લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવી હતી, આ પહેલાં સ્પેસએક્સના ત્રણ ઉડ્ડયન અસફળ થઈ ગયા હતા.