(લેબનાનથી જગવિંદર પટિયાલનો રિપોર્ટ)


 Iran Israel Conflict: એક તરફ લેબનાનમાં ઈઝરાયલના હુમલા સતત વધી રહ્યા છે તો બીજી તરફ ઈરાન સાથે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આ બધાની વચ્ચે એબીપી ન્યૂઝ પણ તમને યુદ્ધ મોરચા પરથી તમામ માહિતી નિર્ભયતાથી આપી રહ્યું છે.


અમારા રિપોર્ટર જગવિન્દર પટિયાલ લેબનાનના બેરુતમાં એ જગ્યા પર પહોંચી ગયા છે જ્યાં ઇઝરાયલ સતત હિઝબુલ્લાહને નિશાન બનાવી રહ્યું છે. શુક્રવારે પટિયાલ તે જગ્યાએ પહોંચ્યા હતા જ્યાં ઈઝરાયલના હુમલામાં હસન નસરુલ્લાહનો ભાઈ હાશેમ સૈફીદ્દીન માર્યો ગયો હોવાના સમાચાર છે.


ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર ખંડેરમાં ફેરવાઈ ગયો


પટિયાલે ગ્રાઉન્ડ ઝીરો પરથી જણાવ્યું કે જે બિલ્ડિંગમાં સૈફીદ્દીનની હત્યા કરવામાં આવી હતી તે સાઉથ બેરૂતમાં ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલી છે. હુમલાના 15-20 મિનિટ પછી પણ પોલીસ કે કોઈ તબીબી સહાય પહોંચી ન હતી. આ હુમલો ડ્રોન વડે કરવામાં આવ્યો હતો. ઈઝરાયલના ડ્રોન સતત આકાશમાં ઉડતા જોવા મળી રહ્યા છે. તેઓ પહેલા હિઝબુલ્લાહના સ્થાનોને ટાર્ગેટ કરી રહ્યા છે અને પછી તેના પર હુમલો કરી રહ્યા છે. જો કે આ વિસ્તારમાં ઘણી ઇમારતો છે અને તે ગીચ વસ્તી ધરાવે છે, પરંતુ ઇઝરાયલના હુમલાને જોતા સામાન્ય લોકોને પહેલાથી જ અહીંથી ખસેડવામાં આવ્યા હતા.


દક્ષિણ બેરૂત પર સૌથી વધુ હુમલા


પટિયાલે કહ્યું કે દક્ષિણ બેરૂતને ઇઝરાયલ સતત નિશાન  બનાવી રહ્યુ છે.  આ હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. ઈઝરાયલે અહીં લગભગ 30-40 મિસાઈલ હુમલા કર્યા છે. હિઝબુલ્લાહના ઘણા મોટા આતંકવાદીઓ ઉપરાંત તેના સમર્થકો પણ માર્યા ગયા છે.


ડ્રોન સૌથી અસરકારક


ઇઝરાયલે શરૂઆતમાં બેરૂત પર મિસાઇલ હુમલા કર્યા હતા પરંતુ ધીમે ધીમે તેણે તેની વ્યૂહરચના બદલી અને પહેલા ડ્રોનનો ઉપયોગ કરીને તે હિઝબુલ્લાહના આતંકવાદીને શોધી રહ્યું છે બાદમાં તેના પર હુમલો કરી રહ્યું છે. મોટા ભાગના હુમલાઓમાં કોઈને કોઈ માર્યા જાય છે.                                                        


Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ