નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા અને સર્ચ એન્જિન કંપનીઓ પર તો અનેક દેશોમાં કેટલાક કારણોથી  પ્રતિબંધ લાગતા રહે છે પરંતુ પાકિસ્તાનમાં  ફેસબુક, ગૂગલ, ટ્વિટર જેવી કંપનીઓ પર સેન્સરશીપ પાકિસ્તાનને હવે ભારે પડવાની છે કારણ કે પાકિસ્તાનની ડિઝિટલ સેન્સરશીપ કાયદાને લઇને આ કંપનીઓએ પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છે.

ફેસબુક, ટ્વિટર અને ગૂગલ સહિત અનેક કંપનીઓના ગ્રુપ એશિયા ઇન્ટરનેટ કોએલિશને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને ચેતવણી ભર્યો પત્ર લખીને  કહ્યું હતું કે, જો પાકિસ્તાન પોતાના ડિઝિટલ સેન્સરશીપ કાયદામાં ફેરફાર નહી કરે તો આ કંપનીઓએ પાકિસ્તાનમાં પોતાની સેવાઓ મજબૂરીમાં બંધ કરવી પડશે. સોશિયલ મીડિયા કંપનીઓને આરોપ છે કે પાકિસ્તાન ડિઝિટલ સેન્સરશીપ કાયદાને  બનાવતા સમયે કોઇ એક્સપર્ટનો મત લીધો નહોતો.

વાસ્તવમાં પાકિસ્તાનમાં જે ડિઝિટલ સેન્સરશીપ કાયદો બનાવ્યો છે તેમાં આપતિજનક કંન્ટેટને લઇને કોઇ માપદંદ રાખ્યો નથી. એવામાં કોઇ પણ વ્યક્તિ કોઇ પણ સામગ્રીને આપતિજનક માની શકે છે અને તેને હટાવવા માટે સોશિયલ મીડિયા કંપનીઓને અપીલ કરી શકે છે. અપીલના 24 કલાકની અંદર આ કંપનીઓએ એ સામગ્રી હટાવવી પડશે. જ્યારે ઇમરજન્સીમાં આ સીમા છ કલાકની રાખી છે. આ સેન્સરશીપ હેઠળ સબ્સક્રાઇબર, ટ્રાફિક, કંન્ટેટ અને એકાઉન્ટ સાથે જોડાયેલી જાસૂસી એજન્સીઓ સાથે શેર કરવાની પણ જોગવાઇઓ છે.

નવા કાયદા અનુસાર આ કંપનીઓએ પાકિસ્તાનમાં પોતાની સ્થાયી ઓફિસ ખોલવી પડશે. તે સિવાય લોકલ સર્વર પણ બનાવવું પડશે. સાથે જ પાકિસ્તાનથી બહાર રહેતા પાકિસ્તાની લોકોના એકાઉન્ટ પર નજર રાખવી પડશે. કાયદાને તોડવા પર 50 કરોડ રૂપિયાના દંડની પણ જોગવાઇ છે.