નવી દિલ્હી: ફેસબુકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પોસ્ટને ડિલીટ કરી દીધી છે. ફેસબુકનું કહેવું છે કે, કોરોના વાયરસ અંગે ખોટી સૂચના શેર કરવામાં આવી હતી. કંપનીએ તેને પોતાની નીતિનું ઉલ્લંઘન ગણાવ્યું છે. વીડિયો ક્લિપમાં ટ્રંપે દાવો કર્યો હતો કે, બાળકો કોરોના વાયરસ વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા રાખે છે. આ વીડિયો ક્લિપ ટ્રંપના ઈન્ટરવ્યૂનો એક ભાગ હતો. જેમાં કોરોના વાયરસ સંબંધિત ખોટો દાવો કરવામાં આવ્યો હતો.


ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું, “આ વીડિયો ખોટા દાવા પર આધારિત છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, એક વર્ગ કોવિડ-19 વિરુદ્ધ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવે છે.” તેમણે કહ્યું કે, કોરોનાની ખોટી માહિતી શેર કરવું કંપનીની નીતિઓનું ઉલ્લંઘન છે. કંપની અનુસાર, અત્યાર સુધી કોઈ રાષ્ટ્રપતિની પોસ્ટ ડિલીટ કરવાની ઘટના સામે આવી નથી. તેમણે કોઈ રાષ્ટ્રપતિની પોસ્ટ ડિલીટ કરવાની આ પ્રથમ ઘટના ગણાવી છે.

વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન ડિલીટ પોસ્ટ પર ટ્રંપ પોતાનો બચાવ કરતા નજર આવ્યા હતા. તેમણે કહ્યું કે, વીડિયો પોસ્ટમાં તેમનું કહેવું હતું કે, બાળકો બીમારીમાંથી જલ્દી સ્વસ્થ થવાની ક્ષમતા રાખે છે.

પત્રકારોને ટ્રંપે જણાવ્યું હતું કે, “જો ખાસ ઉંમરના બાળકોના મૃત્યુ દર અને મોતની સંખ્યા પર ધ્યાન આપશો તો તેમનો ઈમ્યૂન સિસ્ટમ ખૂબજ મજબૂત અને તાકાતવર હોવાથી ખબર પડે છે કે, એવું લાગે છે કે તેમની અંદર મહામારીનો મુકાબલો કરવાની વધુ ક્ષમતા છે. ”

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ખોટી જાણકારી આપવા બદલ ટ્વિટરે વીડિયો હટાવી દીધો હતો.