નિર્ણય અસત્ય 


આ વીડિયો પાકિસ્તાનનો છે, જ્યાં ઓગસ્ટ 2021માં રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં ટોળાએ એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી હતી.


દાવો શું છે ? 





બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના ધાર્મિક સ્થળો પર વધી રહેલી હિંસાના અહેવાલો વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ટોળું નારા લગાવતા હિંદુ મંદિરમાં તોડફોડ કરતું જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો તાજેતરમાં બાંગ્લાદેશમાં એક હિંદુ મંદિર પર થયેલા હુમલાનો છે.


પ્રો. સુધાંશુ નામનું એક્સ હેન્ડલ, જે હંમેશા ફેક ન્યૂઝ ફેલાવવા માટે જાણીતું છે, તેને વીડિયો પૉસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું- "બાંગ્લાદેશ હિન્દુ મંદિરોની દુર્દશા, ક્યાં છે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર તથા ભારત સરકાર. તમામ Rohingyas તથા Bangladeshi ઘૂસણખોરોને ભારતમાંથી બહાર કરો અને તમામ પ્રકારના વેપાર અને ક્રિકેટ મેચો બંધ થવી જોઇએ." આ પૉસ્ટને અત્યાર સુધી 84,000 થી વધુ વ્યૂઝ, 2800 રીપૉસ્ટ અને 4,000 લાઇક્સ મળી ચૂક્યા છે, આવા જ દાવા વાળી અન્ય પૉસ્ટ અહીં, અહીં, અહીં, અને અહીં જોઇ શકાય છે 


 



વાયરલ પૉસ્ટના સ્ક્રીનશૉટ. (સૉર્સ: એક્સ/સ્ક્રીનશૉટ)

 


જો કે, આ વીડિયો બાંગ્લાદેશનો નથી, પરંતુ પાકિસ્તાનનો છે, જ્યાં 4 ઓગસ્ટ, 2021ના રોજ પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન જિલ્લામાં ટોળા દ્વારા એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.


સચ્ચાઇ કેવી રીતે જાણવા મળી ?


વાયરલ વીડિયોની કીફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરીને, અમને ઑગસ્ટ 2021ના ઘણા મીડિયા રિપોર્ટ્સ મળ્યા જેમાં વીડિયોના સ્ક્રીનશૉટ્સ શામેલ હતા. આ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે મંદિરમાં તોડફોડની આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં સ્થિત ગણેશ મંદિરમાં બની હતી.


પાકિસ્તાની સમાચાર આઉટલેટ ડૉનના 5 ઓગસ્ટ, 2021ના અહેવાલ મુજબ, એક નવ વર્ષના હિન્દુ છોકરા પર સ્થાનિક મદરેસામાં પેશાબ કરવાનો આરોપ હતો. જ્યારે સ્થાનિક કોર્ટે તેને જામીન આપ્યા ત્યારે સેંકડો લોકોએ રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી અને સુક્કુર-મુલતાન મોટરવે (M-5)ને અવરોધિત કરી દીધો.


 



ઓગસ્ટ 2021 માં પ્રકાશિત ડૉનના રિપોર્ટનો સ્ક્રીનશૉટ. (સૉર્સઃ ડૉન/સ્ક્રીનશૉટ)

 


અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભોંગ પોલીસે 24 જુલાઈ, 2021ના રોજ પાકિસ્તાન પીનલ કૉડની કલમ 295-A હેઠળ છોકરા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. હિન્દુ વડીલોએ મદરેસા વહીવટીતંત્રની માફી માંગી હતી અને કહ્યું હતું કે આરોપી સગીર અને માનસિક રીતે અશક્ત છે. ત્યારબાદ જ્યારે ટ્રાયલ કોર્ટે તેને જામીન આપ્યા ત્યારે કેટલાક લોકોએ શહેરમાં પરિસ્થિતિ ઉશ્કેરી, દુકાનો બંધ કરાવી અને મંદિર પર હુમલો કર્યો.


અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ જૂથો વચ્ચે જૂના પૈસા સંબંધિત વિવાદના અહેવાલો છે, જે અશાંતિનું સાચું કારણ હોવાનું કહેવાય છે.


અમને જાણવા મળ્યું કે આ જ વીડિયો અગાઉ 4 ઓગસ્ટ, 2021ના રોજ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પાકિસ્તાની સાંસદ રમેશ કુમાર વંકવાણી દ્વારા ટ્વિટર પર પૉસ્ટ કરવામાં આવ્યો હતો. (અર્કાઇવ અહીં કરવામાં આવ્યો હતો)


 


 



પાકિસ્તાની સાંસદ રમેશ કુમાર વંકવાણીની એક્સ-પૉસ્ટનો સ્ક્રીનશૉટ (સૉર્સઃ એક્સ/સ્ક્રીનશૉટ) 

 


આ ઘટના બાદ પાકિસ્તાન નેશનલ એસેમ્બલી એ મંદિર પરના હુમલાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો અને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. ઉપરાંત કાઉન્સિલ ઓફ ઇસ્લામિક આઇડિયોલૉજી મંદિર પર હુમલાની ઘટનાની ટીકા કરી હતી.


પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન ઇમરાન ખાને પણ 5 ઓગસ્ટ, 2021ના રોજ એક્સ-પૉસ્ટ (અહીં આર્કાઇવ) દ્વારા મંદિર પરના હુમલાની નિંદા કરી હતી અને ખાતરી આપી હતી કે સરકાર મંદિરનો જીર્ણોદ્ધાર કરશે.


 



પાકિસ્તાનના તત્કાલિન પ્રધાનમંત્રી ઇમરાન ખાનની એક્સ-પૉસ્ટનો સ્ક્રીનશૉટ. (સૉર્સઃ એક્સ/સ્ક્રીનશૉટ)

 


10 ઓગસ્ટના રોજ પ્રકાશિત અલ-જઝીરા ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાન સરકારે ઘટનાના એક અઠવાડિયા પછી જ હિન્દુ મંદિરના પુનઃસંગ્રહનું કાર્ય પૂર્ણ કર્યું હતું અને હુમલામાં સામેલ લગભગ 90 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.


વધુમાં, ધ હિન્દુહિન્દુસ્તાન ટાઇમ્સઇન્ડિયા ટુડે અને ધ વાયર સહિત અનેક ભારતીય મીડિયા આઉટલેટ્સે પાકિસ્તાનમાં મંદિર તોડફોડની ઘટના અંગે અહેવાલો પ્રકાશિત કર્યા હતા.


 


નિર્ણય


અત્યાર સુધીની અમારી તપાસ પરથી એ સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો બાંગ્લાદેશનો નથી, પરંતુ 2021માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન જિલ્લામાં એક મંદિર પર ટોળાના હુમલાનો છે. તેનો બાંગ્લાદેશની કોઈપણ ઘટના સાથે કોઈ સંબંધ નથી.


(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક લૉજીકલી ફેક્ટ એ કર્યુ છે, એબીપી અસ્મિતા ન્યૂઝ લાઇવ ગુજરાતીએ (gujarati.abplive.com) શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)