નવી દિલ્હીઃ ફિનલેન્ડના નવા પ્રધાન મંત્રી સના મરીને એક એવો કાયદો રજૂ કર્યો છે જે બાદ હવે દેશના લોકોએ સપ્તાહમાં માત્ર 4 દિવસ 6 કલાક માટે કામ કરવું પડશે. સાથે જ લોકોને 3 દિવસની રજા મળશે. સૌથી ઓછી ઉંમરના પીએમ સના મરીને કહ્યું કે, આમ કરવાથી લોકો પોતાના પરિવારની સાથે વધારે સમય વિતાવી શકશે. ડેઈલી મેલના અહેવાલ અનુસાર, સનાએ કહ્યું, ‘મને લાગે છે કે લોકોને પોતાના પરિવાર, શુભચિંતકો અને શોખ અથવા જીવનના અન્ય મનપસંદ કામો, જેમ કે સાંસ્કૃતિક માટે વધારે સમય મળવો જોઈએ. આ આપણા કામકાજી જીવનનું આગામી પગલું હોઈ શકે છે.’


વડાપ્રધાન સના મરીન દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવનો હેતું કર્મચારીઓની ઉત્પાદકતામાં સુધારો કરવાનો છે. સનાએ જ્યારે આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે ડાબેરી ગઠબંધનના નેતા અને શિક્ષા મંત્રી લી એન્ડરસને તેમના પગલાંની પ્રશંસા કરી હતી. સનાએ કહ્યું છે કે આ જરૂરી છે કે ફિનલેન્ડના લોકોને ઓછું કામ કરવાની મંજૂરી આપવામાં આવે. તેનાથી લોકોને મદદ મળશે અને અમે મતદાતાઓને આપવામાં આવેલા વચનોને પૂરા કરી શકીશું.

હાલમાં ફિલલેન્ડના લોકો સપ્તાહમાં પાંચ દિવસ, આઠ કલાક કામ કરે છે. જ્યારે પાડોશી દેશ સ્વીડનમાં 2015માં છ કલાક કામ કરવાની પોલીસી બનાવવામાં આવી હતી. તેના કારણે ત્યાંના કર્મચારીઓમાં હકારાત્મક ફેરફારો જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા માઈક્રોસોફ્ટ જાપાન અને યુકેની એક કંપની પોર્ટકુલિસ લીગેલ પણ સપ્તાહમાં ત્રણ દિવસની રજાની પોલીસી બનાવી હતી. બાદમાં ત્યાંના કર્મચારીઓમાં પણ હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું હતું અને કામની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળ્યો હતો.