નવી દિલ્હીઃ ઇરાની જનરલ કાસિમ સુલેમાની હત્યા બાદ વિદેશી સેનાઓને પરત મોકલવાના ઇરાકી સંસદના નિર્ણય પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, જો ઇરાકે અમેરિકાની સેનાઓને પરત મોકલવા માટે બાધ્ય કરશે તો અમે તેની વિરૂદ્ધ કડક પ્રતિબંધ લગાવીશું જેનો તેમણે હજુ સુધી ક્યારેય સામનો કર્યો નહીં હોય. ટ્રમ્પે ઇરાનને પણ ચેતવણી આપી હતી કે જો ઇસ્લામિક દેશે હુમલો કર્યો તો અમે તેનો જોરદાર જવાબ આપીશું.

ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે, ‘અમે કોઈપણ પ્રકારનો હુમલો કરવા માટે તૈયાર છીએ. ઈરાને પહેલા હુમલો કર્યો, તેનો જવાબ પણ અમે હુમલાથી આપ્યો. જો ઈરાને ફરી હુમલો કર્યો તો અમે તેને એવો જવાબ આપીશું કે તેમણે પહેલા ક્યારેય નહીં જોયો હોય.” ટ્રમ્પનું નિવેદન હાઉસ સ્પીકર પેલ્સોઈનાં એ નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે દાવો કર્યો હતો કે બગદાદમાં ડ્રોન એટેક પહેલા યૂએસ કૉંગ્રેસની પરવાનગી નહોતી લેવામાં આવી.


ગુરૂવાર રાત્રે થયેલા આ હુમલામાં કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું હતુ. બગદાદમાં યૂએસ દૂતાવાસની બહાર વિતેલા કેટલાક દિવસોથી થઈ રહેલા પ્રદર્શન અને હુમલા બાદ યૂએસ આર્મીએ આ ઑપરેશનને અંજામ આપ્યો હતો. ઈરાન સાથે યુદ્ધને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું કે, ‘આ મીડિયા પોસ્ટને યૂએસ કૉંગ્રેસનાં નોટિફિકેશન તરીકે જોવામાં આવે. જો ઈરાન કોઈ યૂએસ સ્થળ અને અમેરિકનને ઈજા પહોંચાડશે, તો તેને તાત્કાલિક અને સંપૂર્ણ રીતે ખતરનાક અંદાજમાં જવાબ આપવામાં આવશે. આવા કાનૂની નોટિસની આમ તો જરૂર નથી, પરંતુ મે તેમ છતા ચેતવી દીધા છે.’

હાઉસ ફૉરેન અફેયર્સ કમિટીનાં ચેરમેન ઇલિયટ એંગલ (ડેમોક્રેટ)એ ટ્રમ્પનાં આ ટ્વિટ પર આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકી રાષ્ટ્રપતિએ કંઇપણ બોલતા-લખતા પહેલા વૉર પાવર્સ એક્ટ વાંચી લેવો જોઇએ. સાથે એ પણ સમજી લેવું જોઇએ કે તમે કોઈ તાનાશાહ નથી.’ આ ઉપરાંત ટ્રમ્પે અન્ય એક ટ્વિટ કરતા કહ્યું કે, ‘ઈરાનની પાસે ક્યારેય પણ પરમાણુ હથિયાર નહીં હોય.’