US Shooting: અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અચાનક વધી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે ફિલાડેલ્ફિયાથી ફાયરિંગના સમાચાર આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, અહીંના એક પ્રખ્યાત રોડ પર ઘણા હુમલાખોરોએ અચાનક જ ભીડ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 3 લોકો માર્યા ગયા અને 11 લોકો ઘાયલ થયા છે. પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એફ. પેસે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, આ ફાયરિંગમાં બે પુરૂષો અને એક મહિલાનું મોત થયું છે.
સાઉથ સ્ટ્રીટ પર સેંકડો લોકો ભેગા થયા હતાઃ
પેસે કહ્યું, "અઠવાડિયાના અંતિમ દિવસોમાં રોજની જેમ જ સાઉથ સ્ટ્રીટ પર સેંકડો લોકો ભેગા થયા હતા અને આનંદ માણી રહ્યા હતાં. તમે કલ્પના કરી શકો છો કે જ્યારે આ ફાયરિંગ શરૂ થયું હતું. ત્યારે સાઉથ સ્ટ્રીટ પર ઘણા લોકો ભેગા થયેલા હતા." તેમણે કહ્યું કે, પોલીસ અધિકારીઓએ એક શૂટર પર વળતું ફાયરિંગ કર્યું હતું, જોકે તે વ્યક્તિ માર્યો ગયો કે કેમ તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. હાલ સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે, આ ફાયરિંગની ઘટનામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી.
બે ગ્રેનેડ પણ મળી આવ્યાઃ
પોલીસ ઈન્સપેક્ટર પેસે વધુમાં જણાવ્યું હતું કે, ઘટના સ્થળેથી બે હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે. જો કે, પોલીસે આ ઘટનાની તપાસ માટે જે સ્થળ પર ફાયરિંગ થયું છે ત્યાંની શનિવારે રાત્રે બંધ થયેલી દુકાનોના સર્વેલન્સ ફૂટેજની તપાસ કરવા માટે સવાર સુધી રાહ જોવી પડશે.
અમરિકામાં વધી રહેલી ફાયરિંગની ઘટનાઓઃ
અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત વધી રહી છે. આ પહેલાં સેન્ટ્રલ વર્જીનિયામાં એક પાર્ટી દરમિયાન થયેલા ગોળીબારમાં 20 વર્ષીય યુવકનું મોત થયું હતું અને અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. ગયા મહિને, 24 મેના રોજ, ટેક્સાસની એક શાળામાં ગોળીબારની ભયાનક ઘટના બની હતી જેમાં 19 બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા. આ ઘટનામાં હુમલાખોરને પોલીસે મોતને ઘાટ ઉતાર્યો હતો.