ન્યૂયોર્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબલ્યૂ. બુશનું નિધન થયું છે. તેમને લો બ્લડ પ્રેશર અને ઈન્ફેક્શનના કારણે મે મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સાથે જ તેમને પર્કિંસનની પણ તકલીફ હતી. તેઓ લાંબા સમયથી બિમારીને કારણે વ્હીલચેર પર હતા.


બુશના પરિવારે શુક્રવારે મોડી રાત્રે આ જાણકારી આપી હતી. તેમના દીકરા અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે એક નિવેદનમાં જણાવ્યું કે, જેબ, નીલ, માર્વિન, ડોરો અને મને આ જાહેર કરતાં ખૂબ દુખ થઈ રહ્યું છે કે, 94 વર્ષનું યાદગાર જીવન જીવ્યા પછી અમારા પ્રિય નેતાનું નિધન થઈ ગયું છે. જ્યોર્જ ડબ્લ્યુ બુશના પ્રવક્તાએ તેમનું આ નિવેદન ટ્વિટર દ્વારા જાહેર કર્યું છે. તેમણે કહ્યું છેકે, જ્યોર્જ એચ ડબ્લ્યુ બુશ એક સદચરિત્ર વ્યક્તિ અને સર્વશ્રેષ્ઠ પિતા હતા.

ભારત આવનારા 5મા રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશ હતા. બુશે વર્ષ 2006માં ભારતની મુલાકાત લીધી હતી. બુશ એવા સમયમાં ભારત આવ્યા હતા જ્યારે 9/11ના આતંકી હુમલાના વિરુદ્ધમાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં યુદ્ધ શરૂ કર્યું હતું. દેશના 41માં રાષ્ટ્રપતિ રહેલા જ્યોર્જ હર્બર્ટ વોકર બુશનો કાર્યકાળ 1989થી 1993 સુધીનો રહ્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા પહેલાં બુશ 8 વર્ષ સુધી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પણ હતાં. તેમના દિકરા જ્યોર્જ ડબ્લ્યુ બુશ પણ અમેરિકાના 43માં રાષ્ટ્રપતિ રહ્યા હતા. તેઓ તે અંતિમ રાષ્ટ્રપતિ હતા જેમણે બીજા વિશ્વ યુદ્ધમાં તેમની સેવાઓ આપી હતી. એપ્રિલ 2018માં તેમની પત્ની બારબરા બુશનું નિધન થયું હતું.