France President Emmanuel Macron : ભારતે G20ની અધ્યક્ષપદ ગ્રહણ કર્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રસંશા કરી છે. મેક્રોને પીએમ મોદી સાથેની પોતાની એક તસવીર ટ્વીટ કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય વડાપ્રધાન શાંતિપૂર્ણ અને ટકાઉ વિશ્વના નિર્માણ માટે બંને દેશોને સાથે લાવશે. 


ઈમેન્યુઅલ મેક્રોને ટ્વીટમાં લખ્યું હતું કે, એક પૃથ્વી, પરીવાર. એક ભવિષ્ય. ભારતે G20 ઈન્ડિયાનું અધ્યક્ષપદ સંભાળ્યું છે. મને વિશ્વાસ છે કે મારા મિત્ર નરેન્દ્ર મોદી અમને શાંતિ અને વધુ ટકાઉ દુનિયાના નિર્માણ માટે એક સાથે લાવશે.






ભારતે બે દિવસ અગાઉ ઔપચારિક રીતે G20નું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. અગાઉ ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લેનેને કહ્યું હતું કે, ફ્રાન્સ ભારતને ડ્રાઇવર સીટ પર જોઈને ખુશ છે અને G20ના અધ્યક્ષપદ માટે ભારતને સંપૂર્ણ સમર્થન આપે છે. 1લી ડિસેમ્બરના રોજ એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, આજે ભારત એક વર્ષ માટે G20 અને ડિસેમ્બર માટે UNSCનું પ્રમુખપદ સંભાળે છે. અમે અભૂતપૂર્વ પડકારોનો સામનો કરીને વિશ્વને એક રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે અમે ડ્રાઈવર સીટ પર ભારતને જોઈને ખુશ છીએ. ભારત ફ્રાન્સના સંપૂર્ણ સમર્થન પર વિશ્વાસ કરી શકે છે.


અમેરિકા ભારત સાથે હાથ મિલાવશે


આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પણ જી-20નું અધ્યક્ષપદ મળતા પીએમ મોદીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, તેઓ ભારતના G20 પ્રમુખપદ દરમિયાન 'તેમના મિત્ર' વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવા માટે ઉત્સુક છે. બાઈડને કહ્યું હતું કે, અમેરિકા અને ભારત જળવાયુ પરિવર્તન, ઉર્જા અને ખાદ્ય સંકટ જેવા પડકારોનો સામનો કરવા હાથ મિલાવશે.


વિશ્વ આ પડકારોનો સામનો કરશે


અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, ભારત અમેરિકાનું એક મજબૂત ભાગીદાર છે અને હું ભારતના G20 પ્રમુખપદ દરમિયાન મારા મિત્ર વડાપ્રધાન મોદીને સમર્થન આપવા માટે આતુર છું. સાથે મળીને અમે જળવાયુ, ઉર્જા અને ખાદ્ય કટોકટી જેવા સામાન્ય પડકારોને સંબોધીને ટકાઉ અને સર્વસમાવેશક વિકાસને આગળ વધારીશું.