G7 Summit 2024 Live Updates: અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઇટાલીના વડાપ્રધાન સાથે મુલાકાત કરી શકે છે PM મોદી
G7 Summit 2024 Live Updates: ઇટાલીમાં G7 દેશોની એક બેઠક યોજાઈ રહી છે. આ વખતે G7 સમિટનું આયોજન 13 થી 15 જૂન દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
નેતાઓએ G7 સમિટના બીજા દિવસે સ્થળાંતરના મુદ્દા પર ચર્ચા કરી. સાત દેશોના નેતાઓએ ચર્ચા કરી કે જે દેશોમાંથી સ્થળાંતર સૌથી વધુ જોવા મળે છે ત્યાં રોકાણ કેવી રીતે વધારી શકાય. માનવ તસ્કરી રોકવા માટે યોજના બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
G7 સમિટના બીજા દિવસે શુક્રવારે ચીન પર ચર્ચા થશે. તે આપણા સંબંધિત દેશોના ઉદ્યોગોને ચીનથી કેવી રીતે સુરક્ષિત કરી શકાય અને વેપાર સંકટમાં ફસાઈ ન જાય તે મુદ્દા પર ચર્ચા કરશે. યુ.એસ., જાપાન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, કેનેડા અને બ્રિટનના નેતાઓ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ખાસ કરીને ગ્રીન ટેક્નોલોજીના ક્ષેત્રમાં ચીન સાથે વાજબી વેપાર પ્રથાઓ અંગે ચર્ચા કરવા ભેગા થશે. ચીન યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને સતત મદદ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકાનું માનવું છે કે ચીન ક્યાંકને ક્યાંક ઉશ્કેરણી કરી રહ્યું છે. આ મુદ્દે પણ ચર્ચા થશે.
પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ઈટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે તેવી અપેક્ષા છે. પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને પણ મળવાની શક્યતા છે, જેમને તેઓ ગયા વર્ષે હિરોશિમામાં જી 7 સમિટમાં પણ મળ્યા હતા.
પોપ ફ્રાન્સિસ G7 સમિટમાં સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોપ ફ્રાન્સિસ સાથે પણ દ્વીપક્ષીય વાટાઘાટો કરે તેવી શક્યતા છે.
G7ના સાત દેશો એ વાત પર સહમત થયા છે કે રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેનને 50 અબજ ડૉલરની લોન આપવામાં આવશે. કોલેટરલ તરીકે રશિયાની ફ્રીઝ કરવામાં આવેલી સેન્ટ્રલ બેન્કની સંપત્તિઓથી થનારી વ્યાજની કમાણી રાખવામાં આવશે. યુક્રેનને આ વર્ષના અંત સુધીમાં આ નાણાં મળી જશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે G7 સમિટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઊર્જા, આફ્રિકા અને ભૂમધ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે G7 ના 'આઉટરીચ' સત્રમાં 'ગ્લોબલ સાઉથ' માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
જી-7માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. ઇટાલી હાલમાં જી-7 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ વખતે આ ઈવેન્ટ ઈટાલીના અપુલિયા વિસ્તારમાં બોર્ગો એગ્નાઝિયાના વૈભવી રિસોર્ટમાં યોજાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે 14 જૂને ઈટાલી પહોંચ્યા છે. સમિટ દરમિયાન પીએમ મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. ઇટાલી પહોંચીને પીએમ મોદીએ ટ્વીટ કર્યું, "હું G7 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચ્યો છું. વિશ્વના નેતાઓ સાથે અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે આતુર છું. સાથે મળીને અમે વૈશ્વિક પડકારોને ઉકેલવા અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ."
બ્રેકગ્રાઉન્ડ
G7 Summit 2024 Live Updates: ઇટાલીમાં G7 દેશોની એક બેઠક યોજાઈ રહી છે. આ વખતે G7 સમિટનું આયોજન 13 થી 15 જૂન દરમિયાન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલી પહોંચી ગયા છે. સમિટ દરમિયાન ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઊર્જા, આફ્રિકા અને ભૂમધ્ય ક્ષેત્ર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. યુક્રેનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને ગાઝામાં સંઘર્ષનો મુદ્દો આ કોન્ફરન્સમાં છવાયેલો રહેશે.
PM મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનન અને ઇટાલીના જ્યોર્જિયા મેલોની સહિત વિશ્વના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરે તેવી શક્યતા છે, જેઓ G7 સમિટના આઉટરીચ સત્રમાં ભાગ લેશે. તે આ દેશો સાથે સંરક્ષણ અને વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. ઇટાલી જતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે આઉટરીચ સેશનમાં ગ્લોબલ સાઉથ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. ભારત પોતાને ગ્લોબલ સાઉથનો અવાજ બનવા માંગે છે.
સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. ઇટાલીના અપુલિયા વિસ્તારમાં બોર્ગો એગ્નાઝિયાના વૈભવી રિસોર્ટમાં યોજાનારી G7 સમિટમાં વૈશ્વિક મુદ્દાઓની સાથે દ્વિપક્ષીય મુદ્દાઓને પણ સ્થાન આપવામાં આવશે. G7માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. ઇટાલી હાલમાં G7 (ગ્રુપ ઓફ સેવન) સમિટની અધ્યક્ષતા અને યજમાની કરી રહ્યું છે.
ઈટાલીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં ઈટાલીએ નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની રક્ષા કરવા પર ભાર મૂક્યો છે. ઇટાલીના મતે, યુક્રેન સામે રશિયાના આક્રમક યુદ્ધે તેના સિદ્ધાંતોને નબળો પાડ્યો છે અને વિશ્વભરમાં અનેક કટોકટીઓ સાથે અસ્થિરતામાં વધારો કર્યો છે. ભારત ઉપરાંત ઈટાલીએ આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના 11 વિકાસશીલ દેશોના નેતાઓને સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. જોકે EU G7 ના સભ્ય નથી, તે વાર્ષિક સમિટમાં ભાગ લે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -