કરાંચીઃ પાકિસ્તાનમાં ગુરુવારે કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટના પંજાબ પ્રાંતના દક્ષિણમાં રહીમ યાર ખાન પાસે થઇ હતી. રેલવે અધિકારીઓના મતે જમવાનું બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને  કારણે ત્રણ કોચમાં આગ લાગી ગઇ હતી. આ દુર્ઘટનામાં 65 લોકોના મોત થયા હતા જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.


ઘાયલોને મુલતાનના બીવીએચ બહાવલપુર અને પાકિસ્તાન ઇટાલિયન મોડર્ન બર્ન સેન્ટરમાં  ભરતી કરવામાં  આવ્યા છે. રેલવે મંત્રી શેખ રશિદે કહ્યું કે સિલિન્ડર ફાટ્યા બાદ ત્રણ ડબ્બામાં આગ ફેલાઈ હતી. રહીમ યાર ખાનના ડેપ્યુટી કમિશ્નર જમીલ અહમદના જણાવ્યા મુજબ, હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી. સેનાના હેલિકોપ્ટરને પણ રેસ્કયુમાં લગાવવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ગુરુવારે  સવારે આ બ્લાસ્ટમાં  ઇકોનોમી ક્લાસના બે કોચમાં આગ લાગી હતી જે બાદમાં એક બિઝનેસ ક્લાસ કોચ સુધી ફેલાઇ હતી. જીવ બચાવવા માટે અનેક લોકો ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા.


પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશિદે કહ્યું કે, આગ એક સિલિન્ડર બ્લાસ્ટના કારણે લાગી હતી. મુસાફરો સવારે નાસ્તો બનાવવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. રાશિદે કહ્યું કે, ટ્રેકને બે કલાકની અંદર ફરીથી કાર્યરત કરી દેવાયો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને  અધિકારીઓને ઇજાગ્રસ્તોને મેડિકલ સારવાર આપવાના  નિર્દેશ આપ્યા હતા.