નવી દિલ્હીઃ વિશ્વના સૌથી મોટા આતંકવાદી અને આઈએસઆઈએસના ચીફ અબુ બકર અલ બગદાદીને માર્યાના ચાર દિવસ બાદ અમેરિકાના કમાન્ડોના ઓપરેશનનો વીડિયો સામે આવ્યો છે. આઈએસના આતંકી ચીફ બગદાદીને મારવા માટે સીરિયામાં અમેરિકાના સૈનિકોએ જે ઓપરેશન ચલાવ્યું હતું તેના કેટલાક ભાગનો વીડિયો અમેરિકાએ જારી કર્યો છે.

અમેરિકાએ જે વીડિયો જાહેર કર્યો છે તે ડ્રોન કેમેરાથી રેકોર્ડ કરવામાં આવ્યો છે, અહીં એ પરિસર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે જ્યાં બગદાદી છુપાયો હતો. જેવું અમેરિકન એરક્રાફ્ટ આ પરિસર ઉપર પહોંચે છે તેની પર હુમલા કરવામાં આવે છે. અમેરિકન સૈનિક વારંવાર લોકોને અપીલ કરે છે કે તેઓ બહાર આવી જાય. થોડીક જ ક્ષણોમાં અમેરિકન સૈનિકોએ સમગ્ર વિસ્તારને ઘેરી દીધું. ત્યારબાદ બગદાદીએ પોતાને ઉડાવી દીધી. આ દરમિયાન બે બાળકોનાં પણ મોત થયા.


બાદમાં બગદાદીનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ ફ્રેંકે કહ્યુ કે ડીએનએ સેમ્પલ ઈરાકના કેમ્પ બુકામાં કસ્ટડી દરમિયાન 2004માં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ એફ-15 ફાઇટર જેટથી તે પરિસરને ઉડાવી દેવામાં આવ્યું.

અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે, આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ચીફ અબૂ બકર અલ બગદાદીનું શબ આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યું. આ પહેલા અલ-કાયદા ચીફ ઓસામા બિન-લાદેનનું શબ પણ સમુદ્રમાં ફેંકવામાં આવ્યું હતું.