કાબુલઃતાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા બાદ દરરોજ ભયાનક ઘટનાઓ અફઘાનિસ્તાનમાં બની રહી છે. લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. આ વચ્ચે તાલિબાનનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. જેના પરથી ખ્યાલ આવે છે તાલિબાનના રાજમાં મહિલાઓ જ નહી પણ સમલૈંગિક સમુદાયના લોકો પણ ખતરામાં છે.
ડેઇલી મેઇલના રિપોર્ટ અનુસાર કેટલાક તાલિબાનીઓએ એક ગે શખ્સ સાથે મારપીટ કરી હતી અને બાદમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તાલિબાનીઓએ તે વ્યક્તિ પાસેથી તેના પિતાનો મોબાઇલ નંબર લીધો અને તેમને જણાવ્યું કે તમારો દીકરો સમલૈંગિક છે. આ સમગ્ર ઘટના અફઘાનિસ્તાનના રાજધાની કાબુલમા બની હતી.
રિપોર્ટ અનુસાર અનેક સમલૈંગિક લોકો અફઘાનિસ્તાનમાં પોતાની ઓળખ છૂપાવવા માટે મજબૂર થયા છે કારણ કે તેઓને તાલિબાનીઓથી મોટો ખતરો છે. કહેવામાં આવી રહ્યું છે તે તાલિબાનીઓ સમલૈંગિક લોકોની હત્યા કરી શકે છે. રિપોર્ટ અનુસાર બે તાલિબાની આતંકવાદીઓએ એક સમલૈંગિક વ્યક્તિ સાથે મિત્રતાનું નાટક કર્યું અને બાદમાં તેને મળવા બોલાવ્યો હતો. તે વ્યક્તિ તાલિબાની આતંકીઓને મળવા ગયો હતો ત્યારે તેની સાથે મારપીટ કરી હતી અને બાદમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આતંકીઓએ તે વ્યક્તિના પિતાને ફોન કર્યો અને કહ્યું કે તેમનો દીકરો ગે છે.
આ સમગ્ર ઘટનાનો ખુલાસો અફઘાનિસ્તાનના રાઇટ્સ એક્ટિવિસ્ટ અર્તેમિસ અક્બરીએ કર્યો હતો તે તુર્કીમાં રહે છે પરંતુ પીડિતના સંપર્કમાં છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, આ પ્રકારની ઘટના ફક્ત એક ઉદાહરણ છે એ જાણવા માટે તાલિબાન શાસનમાં સમલૈંગિક લોકોનું જીવન કેટલું મુશ્કેલ છે. તે દુનિયાને ફક્ત એ બતાવવા માંગે છે કે તેઓ (તાલિબાન) બદલાઇ ચૂક્યા છે પરંતુ એવું કાંઇ નથી. તેમની અંદર કોઇ ફેરફાર આવ્યો નથી.