PM Modi Italy Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે તેમના પાંચ દેશોના યુરોપિયન પ્રવાસના છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ તબક્કા માટે ઈટલી પહોંચ્યા હતા. ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના ખાસ આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાત પીએમ મોદીની ઇટાલીની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત છે. ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર પીએમ મોદી સાથે એક નવી સેલ્ફી પોસ્ટ કરીને તેમનું સ્વાગત કર્યું. મેલોનીએ ફોટોને કેપ્શન આપ્યું, "રોમમાં તમારુ સ્વાગત છે, મારા મિત્ર!" ત્યારબાદ આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી. આ પહેલી વાર નથી જ્યારે પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીનો ફોટો કે સેલ્ફી ઇન્ટરનેટ પર વાયરલ થઈ હોય. અગાઉ 2023માં દુબઈમાં COP28 સમિટ દરમિયાન મેલોનીની 'Good friends at COP28'  સેલ્ફી અને 2024માં ઇટલીના અપુલિયામાં G7 સમિટ દરમિયાન તેમનો "મેલોની ટીમ તરફથી હેલો"નો વીડિયો વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો હતો. 

ઇટલીમાં તેમની હોટલમાં પહોંચ્યા બાદ પીએમ મોદીનું ભારતીય ડાયસ્પોરા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પહેલા વડાપ્રધાને વારાણસીના ઘાટ દર્શાવતું એક ચિત્ર ભેટમાં આપવામાં આવ્યું હતું.

Continues below advertisement

પીએમની મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ

વ્યૂહાત્મક અને રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ ગણાતી આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઇટલીના રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલાને મળશે. વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની સાથે વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ (CEOs) સાથે વાતચીત કરશે. તેઓ સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ના મુખ્યાલયની પણ મુલાકાત લેશે, જે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને ફરીથી વ્યક્ત કરશે.

Continues below advertisement

વિદેશ મંત્રાલય (MEA) ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 2023 પછી બંને વડાપ્રધાન વચ્ચે આ આઠમી મુલાકાત હશે, જે ભારત અને ઇટાલી વચ્ચેના મજબૂત સંબંધોનો પુરાવો છે. માર્ચ 2023માં મેલોનીની ભારત મુલાકાત અને ત્યારબાદ G20 સમિટમાં તેમની ભાગીદારીએ આ મિત્રતાનો મજબૂત પાયો નાખ્યો. આ મુલાકાત દ્વારા, બંને નેતાઓ "સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-29" હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને સંરક્ષણ, આતંકવાદ વિરોધી ભંડોળ અને નવા ક્ષેત્રોમાં સહયોગ માટે રોડમેપને અંતિમ સ્વરૂપ આપશે.

₹1.3 લાખ કરોડનો વેપાર, હવે 2029 સુધીમાં એક મોટો લક્ષ્ય

ઇટલી યુરોપિયન યુનિયન (EU) માં ભારતના ચોથા સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. 2025માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 14.25 બિલિયન યુરો (આશરે ₹1.3 લાખ કરોડ) સુધી પહોંચવાની અપેક્ષા છે. બંને દેશોએ હવે 2029 સુધીમાં આને 20 બિલિયન યુરો સુધી વધારવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઇટાલિયન કંપનીઓએ ભારતમાં $3.66 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે, જ્યારે ટાટા મોટર્સ દ્વારા ઇટાલીના ઇવેકો ગ્રુપના સંપાદનથી યુરોપમાં ભારતીય કંપનીઓનું મનોબળ પણ વધ્યું છે.