ઓસ્ટ્રેલિયા સરકાર અને ગૂગલની વચ્ચે મીડિયા પેમેન્ટ લોને લઈને અંદાજે એક મહિનાથી ગતિરોધ ચાલે છે. હવે ગૂગલે ઓસ્ટ્રેલિયાની સરકારને દેશમાં પોતોનું સર્ચ એન્જિન બંધ કરવાની ધમકી આપી છે. ગૂગલે ધમકી આપતા કહ્યું કે, જો તેને લોકલ ન્યૂઝ પબ્લિશરોને પેમેન્ટ કરવા માટે મજબૂર કરવામાં આવશે તો કંપની પોતાનું સર્ચ એન્જિન દેશમાં બંધ કરી દેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કહ્યું છે કે, તે ધમકીઓ પર પ્રતિક્રિયા નથી આપતા.


આ પહેલા ગૂગલે સર્ચમાં ઓસ્ટ્રેલિયન ન્યૂઝ વેબસાઈટ્સને બ્લોક કરી દીધી હતી. તેના પર ઓસ્ટ્રેલિયાની સરકારે કહ્યું હતું કે ગૂગલે અમારા કન્ટેન્ટ પર પ્રતિબંધ લગાવાવના બદલે તેને પેમેન્ટ કરવા પર ધ્યાન આપવું જોઈએ.

શું છે સમગ્ર મામલો

વાત એમ છે કે ગૂગલ અને ઓસ્ટ્રેલિયાની સરાકરની વચ્ચે મીડિયા પેમેન્ટ કાયદાને લઇને ગતિરોધ ચાલે છે. ઓસ્ટ્રેલિયાની સરકાર આ કાયદાના ડ્રાફ્ટ પર કામ કરી રહી છે. આ કાયદા અંતર્ગત ગૂગલ અને ફેસબુક બન્નેએ લોકલ મીડિયા કંપનીઓના સમાચાર પોતોના સર્ચ એન્જિન પર બતાવવા માટે પેમેન્ટ કરવું પડી શકે છે. સંસદમાં હાલમાં આ કાયદા પર ચર્ચા ચાલી રહી છે. ટૂંકમાં જ તેના પર વોટિંગ પણ થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયાની સરકારના આ કાયદાનો ગૂગલ, ફેસબુક ઉપરાંત અન્ય ટેક કંપનીઓ પણ વિરોધ કરી રહી છે. ગૂગલે ચેતવણી આપી છે કે જો સરકાર મીડિયા કંપનીઓને પેમેન્ટ કરવા દબાણ કરશે તો ઓસ્ટ્રેલિયામાં ફ્રી સર્ચ સેવાઓ પરત લેવામાં આવી શકે છે. બાદમાં અહીંના લોકોએ ગૂગલનો ઉપયોગ કરવા માટે પેમેન્ટ કરવું પડશે.