Greece: ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં મૃત્યુઆંક 16થી વધીને 26 થઈ ગયો છે. આ અકસ્માતમાં 85 લોકો ઘાયલ થયાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અકસ્માત મોડી રાત્રે થયો હતો. અકસ્માતનું કારણ શું છે, તે હાલ સ્પષ્ટ થયું નથી. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. આ ભયાનક દુર્ઘટના અંગે ગ્રીસના થેસાલી ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું કે, એક પેસેન્જર ટ્રેન એથેન્સથી ઉત્તરીય શહેર થેસાલોનિકી જઈ રહી હતી, જ્યારે બીજી માલસામાન ટ્રેન થેસાલોનિકીથી લારિસા તરફ આવી રહી હતી. આ બંને ટ્રેનો લારિસા શહેરની બહાર ટકરાઈ હતી.
અકસ્માત એટલો ભયાનક છે કે અકસ્માત બાદ બચાવકાર્યમાં મદદ માટે સેનાને બોલાવવામાં આવી છે, જ્યારે હોસ્પિટલોમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ટ્રેનના કોચ કેવી રીતે આગની લપેટમાં છે તે જોઈ શકાય છે. આ સિવાય કેટલાક કોચ પણ પાટા પરથી ઉતરી ગયા છે.
એક મુસાફરે રાજ્ય પ્રસારણકર્તા ERTને જણાવ્યું કે તે પોતાની સૂટકેસ વડે ટ્રેનની બારી તોડીને ભાગવામાં સફળ રહ્યો હતો. ERT મુજબ, બચાવ કાર્યકર્તાઓને વાહનોની હેડલાઇટ વડે આસપાસના ખેતરોમાં બચી ગયેલા લોકોને શોધતા બતાવવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, પેસેન્જર ટ્રેનમાં લગભગ 350 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
આ ઘટના બાદ ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાહત કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, 'કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા'. ત્રણ બોગીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા 85 ઘાયલ છે.