Developing Lethal Drones with Facial Recognition : ભારત માટે હંમેશાથી માથાનો દુ:ખાવો રહેલો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના જેવા દુનિયાના માફિયાઓ અને આતંકીઓનો પલભરમાં જ ખાતમો કરવા અમેરિકા મેદાને પડ્યું છે. અમેરિકા આ પ્રકારની ટેક્નોલોજી વિકસાવવા હવે હાથવેંત જ દૂર છે. અમેરિકી વાયુસેના માટે એક ડ્રોન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે મનુષ્યોના ચહેરાને ઓળખીને તેમને નિશાન બનાવશે. આ એક એવી ટેક્નોલોજી છે જે અત્યાર સુધી માત્ર હોલીવુડની સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જ જોવા મળતી હતી. પરંતુ ટૂંક સમયમાં આ ટેકનિક યુએસ એરફોર્સ માટે હકીકત બનશે. તેને ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેરની મદદથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. 


ન્યૂ સાયન્ટિસ્ટના અહેવાલમાં જણાવાયું છે કે, વાયુસેનાએ આ માટે $729 મિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેનું નિર્માણ સિએટલ સ્થિત ફર્મ રિયલ નેટવર્ક્સ દ્વારા કરવામાં આવશે. કંપની દ્વારા સિક્યોર એક્યુરેટ ફેશિયલ રેકગ્નિશન (SAFR) પ્લેટફોર્મ એરફોર્સના ડ્રોનમાં ફીટ કરવામાં આવશે. આખરે આ સોફ્ટવેર શું છે અને તે ડ્રોન પર કેવી રીતે કામ કરશે?


ટેક્નિક કેવી રીતે કામ કરશે?


SAFR એ વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે જે ચહેરા અને વ્યક્તિના આધારે કમ્પ્યુટર વિઝન હેઠળ કામ કરે છે. કંપનીનો દાવો છે કે, તેમનો સોફ્ટવેર ચહેરાની ઓળખ પર 99.87 ટકા સચોટ છે. સાથે જ તેમાં એટલી ક્ષમતા છે કે, તે અનેક કિલોમીટર દૂરથી પણ કોઈનો ચહેરો ઓળખી શકે છે. કંપનીએ અમેરિકી એરફોર્સ સાથે જે કોન્ટ્રાક્ટ કર્યો છે તે મુજબ આ સોફ્ટવેર નાના ડ્રોન પર ફીટ કરવામાં આવશે. ઉપરાંત તેઓનો ઉપયોગ વિદેશમાં વિશેષ કામગીરી અને ગુપ્ત માહિતી માટે જ કરવામાં આવશે.


AIથી સજ્જ ડ્રોન


ફર્મ દ્વારા કહેવામાં આવ્યું છે કે, માનવરહિત ડ્રોન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરશે. તે આપમેળે દુશ્મન અને મિત્રની ઓળખ કરશે. કંપની દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ ડ્રોનનો ઉપયોગ બચાવ મિશન, સુરક્ષા અને સ્થાનિક સ્તરના સર્ચ ઓપરેશન માટે પણ થઈ શકે છે. એ નોંધવું પણ યોગ્ય છે કે નાના ડ્રોન ક્યારેય રીપર અથવા પ્રિડેટર જેવા મોટા ડ્રોન જેવા હથિયારોથી સજ્જ નથી હોતા. પરંતુ હવે આ નવી ટેક્નોલોજી બાદ અમેરિકાનું ડ્રોન યુદ્ધ એક નવા સ્તરે પહોંચી શકે છે.


તુર્કીએ પ્રયોગ કર્યો


જો કે, એ પણ નોંધનીય છે કે યુએસ એરફોર્સ આ પ્રકારની ટેકનીકનો ઉપયોગ કરનારી પ્રથમ સેના નથી. વર્ષ 2021માં સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ દાવો કર્યો હતો કે, લિબિયન દળોએ ચહેરાની ઓળખ સોફ્ટવેર અને હથિયારોથી સજ્જ ડ્રોનને સજ્જ કર્યું છે. યુએનએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, લિબિયાના વડાપ્રધાન ફૈઝ સેરાજ વતી એડવાન્સ ડ્રોનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તુર્કી દ્વારા વિકસીત કરવામાં આવેલું STM કાર્ગો-2 હથિયારો અને ચહેરાની ઓળખના સોફ્ટવેરથી સજ્જ હતું. ત્યાર બાદ ડ્રોન વિરોધી સેના તરફ આગળ વધ્યું.


ઈઝરાયેલ પણ કરી રહ્યું છે કામ


એ જ વર્ષે ફોર્બ્સના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ઈઝરાયેલ પણ આવી જ ટેક્નોલોજીવાળા ડ્રોન પર કામ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, તેની પેટન્ટ અમેરિકામાં તેલ અવીવ સ્થિત એનિવિઝન દ્વારા ઓગસ્ટ 2019માં ફાઇલ કરવામાં આવી હતી. જેમાં આ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, કંપની એક એવી ટેકનિક પર કામ કરી રહી છે જે ડ્રોનને ચહેરાની ઓળખ માટે શ્રેષ્ઠ એંગલ શોધવામાં મદદ કરશે. ત્યાર બાદ ડેટાબેઝની મદદથી ટાર્ગેટ શૂટ કરવામાં આવશે.