Niagara Falls : કેનેડા સ્‍થિત નાયગ્રા ફૉલ્‍સ સ્‍ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડી જતાં એક ગુજરાતી મહિલાનું અવસાન થયું છે. વર્ષોથી અમેરિકામાં રહેતા જીત ભટ્ટ તેમના પત્‍ની નેહા ભટ્ટ અને પાંચ વર્ષના પુત્ર રુદ્રાન્‍શ સાથે નાયગ્રા ફૉલ્‍સ ફરવા ગયાં હતાં. આ પ્રવાસ દરમિયાન મહિલાનો એક પગ લપસતા આખો પરિવાર આ ઊંડી ખીણમાં પડી ગયો હતો અને નેહા ભટ્ટનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું.


દુર્ભાગ્‍યવશ મહિલાનો જીવ ન બચાવી શકાયો


આ અકસ્‍માત ૧૩ ફેબ્રુઆરીના રોજ થયો હોવાનું જાણવા મળ્‍યું છે. સ્‍થાનિક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ જીત ભટ્ટ અને તેમના પાંચ વર્ષના દીકરાને બચાવી લેવાયા હતા, પરંતુ બંનેને ગંભીર ઇજા થઈ હતી. જેને કારણે તેમને નજીકની હૉસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા. નાયગ્રા રિજન પાર્ક્‍સના પ્રવક્‍તા એન્‍જેલા પી. બર્ટીએ સ્‍થાનિક મીડિયાને જણાવ્‍યા અનુસાર સત્તાવાળાઓએ ગુજરાતી મહિલાનો મળતદેહ મેળવી લીધો છે. સ્‍ટેટ પાર્ક પોલીસ કેપ્‍ટન ક્રિસ રોલાએ મીડિયાને જણાવ્‍યું હતું કે, દુર્ભાગ્‍યવશ, મહિલાનો જીવ બચાવી શકાયો નથી. પોલીસે હેલિકોપ્‍ટરની મદદથી મહિલાના મળતદેહને કૉરનર ઑફિસ સુધી પહોંચાડ્‍યો હતો. 


પોલીસે પાર્કમાં રહેલા અન્‍ય સાક્ષીઓની પૂછપરછ કરી


મહિલા ખીણમાં પડી તે પહેલાં તેના પતિ અને દીકરા સાથે હતી. પોલીસ હજુ સુધી જાણતી નથી કે આ ઘટના કઈ રીતે બની. પોલીસે પાર્કમાં રહેલા અન્‍ય સાક્ષીઓની પૂછપરછ કરી હતી. આ ખૂબ જ બર્ફીલો પ્રદેશ છે. બચાવ કાર્ય માટે તે ખરેખર અઘરો પ્રદેશ છે, પરંતુ અમારી ટીમ તમામ પરિસ્‍થિતિઓનો સામનો કરીને તેમની પાસે પહોંચી હતી અને પ્રાથમિક સારવાર આપી હતી.


જીત ભટ્ટ અને તેમનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્‍થાયી હતા


ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ તુરંત જ ઘટના સ્‍થળે પહોંચી હતી. ટીમ ઘાટીના તળિયે રહેલા બરફને દૂર કરી બાળક અને તેની માતા સુધી પહોંચી હતી. બચાવકર્તાઓ નાયગ્રા ફૉલ્‍સ ફાયર ડિપાર્ટમેન્‍ટ સાથે બંને પીડિતો સુધી ખૂબ જ ઝડપથી પહોંચી ગયા હતા. તેમ છતાં મહિલાનો જીવ બચાવી શકાયો નહીં. જીત ભટ્ટ અને તેમનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્‍થાયી હતા. અકસ્‍માતમાં રુદ્રાન્‍શને ૧૭ ટકા આવ્‍યા છે અને ડોક્‍ટરે તેને હજી લગભગ દોઢ મહિનો હૉસ્‍પિટલમાં સારવાર હેઠળ રાખવાની સલાહ આપી છે.