Saleh Arouri Killed: હમાસના ટોચના અધિકારી સાલેહ અરોરીનું મૃત્યુ થયું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાહના ટેલિવિઝન સ્ટેશને જણાવ્યું હતું કે બેરૂતના દક્ષિણમાં એક વિસ્ફોટમાં સાલેહનું મોત થયું છે. રિપોર્ટ અનુસાર, દક્ષિણ બેરૂતમાં સાલેહ અરોરી પર ડ્રોન હુમલો થયો હતો.
લેબનોનના વડાપ્રધાને ઈઝરાયલ પર આરોપ લગાવ્યો
લેબનોનના વડાપ્રધાન નજીબ મિકાતીએ બેરૂત વિસ્ફોટ પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે , "સાલેહ અરોરીની હત્યાનો હેતુ લેબનોનના દક્ષિણ ભાગોમાં ચાલી રહેલા હુમલાઓમાં સામેલ કરવાનો હતો."
કોણ હતો સાલેહ અરોરી?
અલ ઝઝીરાના અહેવાલ મુજબ, સાલેહ અરોરી હમાસના રાજકીય બ્યુરોના નાયબ વડા હતા અને પેલેસ્ટિનિયન જૂથની સશસ્ત્ર પાંખ કાસમ બ્રિગેડના સ્થાપકોમાંના એક હતા. તેમનો જન્મ 1966માં વેસ્ટ બેન્કમાં થયો હતો. ઇઝરાયલની જેલમાં 15 વર્ષ વિતાવ્યા બાદ સાલેહ અરોરી લાંબા સમયથી લેબનોનમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા હતા.
ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયલની સેનાએ તેનું ઘર તોડી પાડ્યું હતું. યુએસ સરકારે તેને 2015 માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો અને તેના વિશે માહિતી આપનારને 5 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું.
હમાસની ઓફિસ બેરૂતમાં છે
હિઝબુલ્લાહ અને પેલેસ્ટિનિયન જૂથો બેરૂતના દક્ષિણ વિસ્તારમાં સક્રિય છે. હમાસની ઓફિસ પણ ત્યાં છે. અલઝઝીરાના અહેવાલ મુજબ, હિઝબુલ્લાહે લેબનોનમાં થયેલી હત્યાઓ અંગે ઈઝરાયલને અગાઉથી ચેતવણી આપી હતી.
ગયા વર્ષે જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનોનમાં પેલેસ્ટિનિયન નેતાઓને ધમકી આપી હતી ત્યારે હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહે કહ્યું હતું કે લેબનીઝની ધરતી પર કોઈપણ લેબનીઝ, પેલેસ્ટિનિયન, ઈરાની અથવા સીરિયન વ્યક્તિની હત્યા પર કડક પ્રતિક્રિયા આપવામાં આવશે.