ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરમિયાન, ઇઝરાયલી દળોએ 24 કલાકની અંદર ગાઝામાં હમાસના 200 ટાર્ગેટ પર હુમલો કર્યો હતો.  આ હુમલાઓમાં પેલેસ્ટાઈનના 166 લોકો માર્યા ગયા છે. ઈઝરાયલી સેનાએ રવિવારે માહિતી આપી હતી કે હુમલા દરમિયાન હમાસના ઠેકાણાઓની પણ તપાસ કરવામાં આવી હતી. સૈનિકોએ હમાસના ઠેકાણાઓ પરથી મોટી સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો છે.






ઇઝરાયલી સૈનિકો પણ માર્યા ગયા


દરમિયાન ગાઝાના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 166 પેલેસ્ટાઇનિઓના મોત થયા છે 384 ઘાયલ થયા હતા. તેણે એવો પણ દાવો કર્યો છે કે યુદ્ધ દરમિયાન 14 ઈઝરાયલ સૈનિકો પણ માર્યા ગયા હતા.






ઇઝરાયલી સેનાએ હમાસના હથિયારોના વેરહાઉસને જપ્ત કર્યું


ઇઝરાયલી સૈન્યએ રવિવારે જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝામાં રહેણાંક મકાન વાસ્તવમાં હમાસના શસ્ત્રોનું વેરહાઉસ હતું. સર્ચ દરમિયાન સૈનિકોએ વિસ્ફોટકો, સેંકડો ગ્રેનેડ અને ગુપ્તચર દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ ઈમારત શાળાઓ, ક્લિનિક અને મસ્જિદની બાજુમાં હતી.






શાળામાંથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે


ઈઝરાયલની સેનાએ કહ્યું કે દરાજ-તુફાહમાં ઓપરેશન દરમિયાન એક સ્કૂલની તપાસ કરવામાં આવી હતી જ્યાંથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા. તેમાં રોકેટ અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે, જે હમાસના નેવલ કમાન્ડો યુનિટના હતા. ઉત્તરી ગાઝામાં અન્ય એક ઓપરેશન દરમિયાન સૈનિકોએ મોટી સંખ્યામાં આતંકવાદીઓની ઓળખ કરી જેઓ લશ્કરી થાણું છોડી રહ્યા હતા. હમાસે ત્યાં સર્વેલન્સ ડિવાઇસ લગાવ્યું હતું. આ પછી સેનાએ હવાઈ હુમલા કરીને ઈમારત અને આતંકીઓને નષ્ટ કરી દીધા.


સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ શનિવારે રાત્રે મીડિયાને જણાવ્યું કે યુદ્ધની શરૂઆતથી સૈનિકોએ 30 હજારથી વધુ વિસ્ફોટક ડિવાઇસ જપ્ત કર્યા છે. જેમાં એન્ટી ટેન્ક મિસાઈલ અને રોકેટ સામેલ છે. તેમણે કહ્યું, ગાઝામાં મોટી સંખ્યામાં હથિયારો છે.


ઉત્તર ગાઝા પર નિયંત્રણનો દાવો


ઈઝરાયલે ઉત્તર ગાઝા પર લગભગ ફરીથી નિયંત્રણ મેળવી લીધો હોવાનો દાવો કર્યો હતો અને અન્ય વિસ્તારોમાં હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાની યોજના બનાવી રહ્યું હતું. બીજી તરફ વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. બાઇડને નાગરિકો અને માનવતાવાદી સહાયને ટેકો આપતા લોકોની સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.