વોશિંગ્ટનઃ સોમવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સહિત વર્જિનીયા અને કોલંબિયામાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું હતું. જ્યાં એક કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાયા હતાં. વ્હાઈટ હાઉસના બેઝમેન્ટમાં જ્યાં પત્રકારો માટે બેસવાની વ્યવસ્થા છે તે રૂમમાં પણ પાણી ભરાઈ ગયા હતાં.

હવામાન વિભાગે મેટ્રો ક્ષેત્રમાં પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, યુએસ નેશનલ રેલ-રોડ પેસેન્જર કોર્પોરેશને ખરાબ વાતાવરણને કારણે દક્ષિણ વોશિંગ્ટનમાં ટ્રેન સેવા રદ કરી દેવામાં આવી છે.

આ કેટલાં દિવસ સુધી બંધ રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પૂરને કારણે હજુ સુધી કોઈ નુકસાનની ખબર સામે આવી નથી. જ્યોર્જ વોશિંગ્ટન પાર્કવેના એક ક્ષેત્રમાં પાણી ભરાવવાના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે.

નોર્થવેસ્ટ વોશિંગ્ટનના પણ કેટલાંક વિસ્તારોને પૂરને કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. કોલંબિયા જિલ્લાના કેટલાંક ક્ષેત્રમાં સોમવારે મોડી રાત સુધી વરસાદ ખાબક્યો હતો. અહીં આંધી-તોફાનને કારણે એરપોર્ટ્સને ઘણું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

હવામાન વિભાગ મુજબ, ભારે વરસાદને કારણે નાની નહેર, શહેરી ક્ષેત્રો, રાજમાર્ગો, રસ્તાઓ અને અંડરપાસની સાથે સાથે અન્ય જળ નિકાસી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે.

આગામી બે દિવસ ભારે વરસાદની સાથે આંધી-તોફાન આવવાની સંભાવના છે.