ઇમરાન સરકારની હાફિઝ સઇદ પર કાર્યવાહી, ટેરર ફંડિંગ મામલામાં 23 કેસ દાખલ
abpasmita.in | 03 Jul 2019 10:17 PM (IST)
પાકિસ્તાનના આતંકવાદ વિરોધી વિભાગે કહ્યું કે, તેણે હાફિઝ સઇદ અને તેના 12 સાથીઓ વિરુદ્ધ 23 કેસ દાખલ કર્યા છે.
લાહોરઃ મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પર પાકિસ્તાની ઇમરાન ખાનની સરકાર શિકંજો કસી રહી છે. જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઇદ વિરુદ્ધ આતંકવાદ માટે પૈસા એકઠા કરવાનો આરોપ લગાવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના આતંકવાદ વિરોધી વિભાગે કહ્યું કે, તેણે હાફિઝ સઇદ અને તેના 12 સાથીઓ વિરુદ્ધ 23 કેસ દાખલ કર્યા છે. વિભાગે દાવો કર્યો હતો કે હાફિઝ સઇદે પાંચ ટ્રસ્ટોના માધ્યમથી પૈસા એકઠા કર્યા અને લશ્કર-એ-તોઇબાને આપ્યા છે. મુંબઇ આતંકી હુમલામાં એલઇટીની પણ સંડોવણી રહી છે. 2008માં થયેલા આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા. આતંકવાદ વિરોધી વિભાગે કહ્યું કે, જમાત ઉદ-દાવા અને ફલા એ ઇન્સાનિયમ ફાઉન્ડેશન વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.ન્યૂઝ એજન્સી રોઇટર્સેના અહેવાલ અનુસાર, એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, જે પણ સંગઠન અને લોકોના નામ છે એ તમામની સંપત્તિઓની વિગતો સરકારને મોકલવામાં આવશે અને તે સંપત્તિને જપ્ત કરાશે. અધિકારીએ કહ્યું કે, કાર્યવાહી યુએનના પ્રતિબંધો અનુસાર કરવામા આવી છે. પાકિસ્તાન સરકારની આ કાર્યવાહી એવા સમયમાં કરવામાં આવી છે જ્યારે એફએટીએફ દ્ધારા પાકિસ્તાનનું નામ મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગનો સામનો કરવા માટે અપર્યાપ્ત નિયંત્રણ ધરાવતા દેશોની ગ્રે યાદીમાં નાખ્યું છે.