Israel-Hezbollah War: લેબનોનમાં ઈઝરાયેલના હુમલા બાદ મધ્ય પૂર્વમાં સંકટ ફરી એકવાર ઘેરી બન્યું છે. કારણ કે તેના કમાન્ડરની હત્યાનો બદલો લેવા માટે હિઝબુલ્લાહએ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. હિઝબુલ્લાહએ દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલ પર 320 રૉકેટ છોડ્યા છે. બીજીબાજુ, ઇઝરાયેલી સૈન્યએ સંકેત આપ્યો છે કે હિઝબુલ્લાહ પર તેના મોટાભાગના હુમલાઓ દક્ષિણ લેબનોનમાં કેન્દ્રિત છે, પરંતુ ચેતવણી આપી છે કે જ્યાં જોખમની ઓળખ કરવામાં આવી છે તે તમામ સ્થળોએ હુમલા કરવામાં આવશે.


રવિવાર (25 ઓગસ્ટ) ના રોજ જ્યારે ઇઝરાયેલી સેનાએ લેબનોન સામે સતત હવાઈ હુમલા શરૂ કર્યા ત્યારે મધ્ય પૂર્વ ઘેરા સંકટમાં ડૂબી ગયું હતું. તેના જવાબમાં હિઝબુલ્લાહએ મોટી સંખ્યામાં ડ્રૉન અને રૉકેટ હુમલા કર્યા હતા.


ઇઝરાયેલી સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે, "આઇડીએફએ હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનની ઓળખ કરી છે જે ઇઝરાયેલના પ્રદેશ તરફ મિસાઇલ અને રૉકેટ છોડવાની તૈયારી કરી રહ્યું છે. આ ધમકીઓના જવાબમાં IDF લેબનોનમાં આતંકવાદી લક્ષ્યોને નિશાન બનાવી રહ્યું છે."


દરમિયાન, હિઝબુલ્લાહએ કહ્યું કે તેણે ઇઝરાયેલ તરફ 320 થી વધુ કાટ્યુશા રૉકેટ છોડ્યા અને 11 લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. તેણે જણાવ્યું હતું કે ગયા મહિને બેરૂત ઉપનગરમાં થયેલા હુમલામાં તેના ટોચના કમાન્ડરની હત્યાના તેના પ્રતિભાવનો તે "પ્રથમ તબક્કો" હતો.


ગત મહિને લેબનોનથી ઇઝરાયલના કબજા હેઠળના ગૉલાન હાઇટ્સ પર મિસાઇલ હુમલો થયો હતો, જેમાં 12 યુવાનો માર્યા ગયા હતા. આ હુમલાના જવાબમાં ઇઝરાયેલી સેનાએ બેરૂતમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર શુકરને મારી નાખ્યો હતો.


બીજીતરફ, તેહરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યાથી સ્થિતિ વધુ વણસી ગઈ હતી, જેના કારણે ઈરાને ઈઝરાયેલ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. હિઝબોલ્લાહે 7 ઓક્ટોબરે હમાસના બંદૂકધારીઓ પર ઇઝરાયેલના હુમલાનો જવાબ ઇઝરાઇલી સ્થાનો પર મિસાઇલોથી આપ્યો હતો. હવે બંને પક્ષો વચ્ચે ગોળીબાર ચાલુ છે.


ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વિશ્વ પર અસર - 


ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે વિશ્વ માટે એક અલગ સંકટ ઉભું કર્યું છે. કારણ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પહેલેથી જ યુદ્ધ ચાલી રહ્યું છે. હવે હિઝબુલ્લાહના ચિત્રમાં આવવાથી તેની દુનિયા પર ખૂબ જ ખતરનાક અસર થવાની છે. આ તણાવમાં ક્યાંકને ક્યાંક ઈરાન પણ સામેલ છે.


સંરક્ષણ નિષ્ણાતો માને છે કે જો આ તણાવ વધુ વધશે તો સમગ્ર વિશ્વમાં ઉર્જાથી લઈને આર્થિક સુરક્ષા સુધીના જોખમો મંડરાઈ શકે છે. આની સીધી અસર ભારત પર પણ પડશે, કારણ કે ભારત મધ્ય પૂર્વથી મોટા પ્રમાણમાં તેલ ખરીદે છે. આ મુદ્દે અમેરિકા શરૂઆતથી જ ઈઝરાયેલની સાથે રહ્યું છે.