નવી દિલ્હીઃ કોરોનાના પ્રકોપની વચ્ચે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ચાલી રહી છે. 3જી નવેમ્બરે ચૂંટમી થવાની છે તે પહેલા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક રીસર્ચથી ભારે હોબાળો થયો છે.


યુનિવર્સિટીના રીસર્ચ અનુસાર હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કુલ 18 જગ્યાએ ચૂંટમી રેલી કરી હતી તેના કારણે 30 હજારથી વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા અને 700થી વધારે લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ અમેરિકામાં આગામી સપ્તાહોમાં કોરોનાના દૈનિક કેસ એક લાખથી વધારે થવાની અનો મોતનો આંકડો વધાવની આશંકા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ટ્રમ્પની રેલીઓ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં સામે આવ્યું છે કે ટ્રમ્પની રેલીને કારણે લોકો બીમાર પડ્યા અથવા જીવ ગુમાવ્યો છે. સંશોધકોનો દાવો છે કે, ટ્રમ્પે જે વિસ્તારોમાં રેલીઓ કરી છે ત્યાં કોરોનાના કેસ વધ્યા હતા.

આ સંશોધન બાદ ડેમોક્રેટના ઉમેદવનાર જો બિડનના નિશાના પર ટ્રમ્પ આવી ગયા હતા. બિડને ટ્વીટ કરીને લખ્યું કે, ટ્રમ્પને લોકોની જરાય ચિંતા નથી. તેમને તેના સમર્થકોની પણ કોઈ ચિંતા નથી. કોરોનાનો પ્રકોપ હોવા છતાં ટ્રમ્પની રેલીમાં હજારો લોકો એકત્ર થયા.

સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડયા. રેલીઓમાં લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. ટ્રમ્પ પોતે કોરોના સંક્રમિત હોવા છતાં માસ્ક પહેરતા નહોતા અને માસ્ક પહેરનારાઓની મજાક ઉડાવતા હતા. ટ્રમ્પની રેલીઓમાં કોરોના સંબંધિત પ્રોટોકોલ વ્યાપક સ્તરે ભંગ થયા હતા. આ કારણે ટ્રમ્પની રેલીઓને સુપર સ્પ્રેડરની ઘટના માનવામાં આવે છે.