Joe Biden Speech: સોશિયલ મીડિયા પર ગઈકાલ બુધવારથી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના ભાષણનો એક વીડિયો વાયરલ થયો છે. જો બાઈડને આ ભાષણમાં કહ્યું છે કે, તેમને કેન્સર છે. રાષ્ટ્રપતિ બાઈડને આ નિવેદન કોલસાની ખાણની મુલાકાત દરમિયાન આપ્યું હતું. જો બાઈડન ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે નવા કાર્યકારી આદેશો પર ચર્ચા કરવા માટે સાચુસેટ્સના સમરસેટ ખાતે આવેલી આ કોલસાની ખાણની મુલાકાતે ગયા હતા.


શું કહ્યું જો બાઈડને?
આ મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભાષણ આપતાં તેલની રિફાઈનરીઓથી થતા પ્રદુષણ અને તેના નુકસાન અંગે વાત કરી હતી. આ દરમિયાન બાઈડને તેમના બાળપણનો એક કિસ્સો પણ કહ્યો હતો. જો બાઈડને કહ્યું કે, ડેલાવેયરમાં અમારું બાળપણ વિત્યું હતું. જ્યાં મારી માં અમને પગે ચાલીને લઈ જવાની જગ્યાએ કારમાં લઈને જતી હતી. કારના કાચ ઉપર રિફાઈનરીઓનું પ્રદુષિત તેલ ચોંટી જતું હતું અને અમારે આ તેલને વાઈપરથી હટાવવું પડતું હતું. આ જ કારણ છે કે, મારી સાથે મોટા થયેલા બધ લોકોને 'કેન્સર' છે અને એટલા માટે ડેલાવેયર વિસ્તારમાં કેન્સરગ્રસ્ત લોકોનો દર સૌથી વધુ રહ્યો છે. આમ જો બાઈડને પોતાને કેન્સર થયું હોવાની વાત કરી હતી.






વ્હાઈટ હાઉસે કરી સ્પષ્ટતાઃ
જો બાઈડનના કેન્સર વાળા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે, જો બાઈડનને કેન્સર થયું છે કે નહી તે અંગે વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરવી પડી હતી. વ્હાઈટ હાઉસે કહ્યું કે, રાષ્ટ્રપતિ જો બાઈડન તેમણે કરાવેલી 'ચામડીના કેન્સર'ની સારવાર અંગે વાત કરી રહ્યા હતા. તેમણે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું તે પહેલાં કેન્સરની સારવાર કરાવી હતી.