ઈસ્લામાબાદ: ઈમરાન ખાને કહ્યું તેમને ભારત સાથે સારા સંબંધોની આશા છે. તેમણે કહ્યું કાશ્મીરની સ્થિતિ સુધારવા માટે પાકિસ્તાન સંપૂર્ણ રીતે તૈયાર છે અને આ મુદ્દે જો ભારત એક ડગલુ આગળ વધશે તો પાક બે ડગલા આગળ વધશે. તેમણે કહ્યું બંને દેશો વચ્ચે કાશ્મીર મોટો વિવાદ છે અને તેનો ઉકેલ લાવવો જોઈએ. તેમણે કહ્યું વાતચીતથી મુદ્દાનો ઉકેલ લાવવાની આશા છે. બંને દેશો વચ્ચે વેપાર હોય અને સારા સંબંધો હોય તો સારૂ થશે.
પાકિસ્તાનની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાને પ્રથમ વખત જનતાને સંબોધિત કરતા કહ્યું, દેશને માનવતા સભર દેશ બનાવીશું. અમે પછાત લોકો માટે કામ કરીશું. પાકના નવા પ્રધાનમંત્રી બનવા જઈ રહેલા ઈમરાન ખાને કહ્યું અલ્લાહે મને તક આપી છે. પાકિસ્તાનની સેવાની તક મળી છે. પાકિસ્તાન માટે મે 22 વર્ષ સંધર્ષ કર્યો.
રાજકારણમાં આવવા પાછળના રાજનો ખુલાસો કરતા ઈમરાન ખાને કહ્યું, હું જણાવવા માંગુ છું કે 22 વર્ષ પહેલા રાજકારણમાં કેમ આવ્યો જેને ઉપરવાળાએ બધું જ આપ્યું છે. કંઈ કર્યા વગર પણ હું આરામથી જીવન પસાર કરી શક્યો હોત. પરંતુ મે પરિસ્થિતિને જોઈ છે. દેશમાં ભ્રષ્ટાચારને જોઈ રાજકારણમાં આવવા માટે મજબૂર થયો.
ઈસ્લામાબાદમાં તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું પાકિસ્તાનને કરવામાં આવેલા વાયદાઓ નિભાવીશ. પોતાના ચૂંટણી ઢંઢેરાને લાગૂ કરવાની તક મળી છે. આ ચૂંટણીમાં ઘણા લોકોએ કુરબાની આપી છે. પાકના લોકોએ લોકતંત્રને મજબૂત કર્યું છે. તેમણે કહ્યું દેશની ઓળખ અમીર લોકોથી નહી પરંતુ ગરીબ લોકોથી હોય છે કે તેઓ કેવી જીંદગી જીવી રહ્યા છે.
ઈમરાન ખાને કહ્યું અમે પાકિસ્તાનને એ રીતે ચલાવશું જે પહેલા ક્યારેય કોઈના દ્વારા ન ચલાવવામાં આવ્યું હોય. અત્યાર સુધી તમામ લોકોએ પોતાના માટે જ ખર્ચ કર્યો છે, તેમના ખર્ચાઓ જોઈ લોકો ટેક્સ નહોતા ભરતા, અમે બીજા લોકોની જેમ ખોટા ખર્ચાઓ નહી કરીએ. અમે એવો માહોલ બનાવીશું કે લોકો ટેક્સ ભરવા માટે આગળ આવે. સરકારના પૈસાનો સાચો ઉપયોગ કરીશું. ઈમરાન ખાને વચન આપ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી આવાસમાં નહી રહે. પ્રધાનમંત્રી આવાસમાં રહેવા પર તેમને શરમ આવશે.
ઈમરાન ખાને પડોશી દેશનો ઉલ્લેખ કરતા સૌથી પહેલા ચીનનું નામ લીધું. ત્યારબાદ અફધાનિસ્તાન, ઈરાન, સાઉદી અરબ. બાદમાં તેમણે હિંદુસ્તાનનું નામ લીધું. ઈમરાન ખાને કહ્યું હિંદુસ્તાનામાં મને બોલિવૂડનો વિલન દેખાડવામાં આવ્યો છે. હું હિંદુસ્તાનને ખૂબ સારી રીતે જાણું છું.