ઈસ્લામાબાદઃ પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન પાકિસ્તાનના પીએમ બનાવવામાં તેની ત્રીજી પત્નીનો હાથ છે. રેહમ ખાન સાથે તલાક બાદ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ઈમરાને બુશરા માનેકા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા અને લગ્ન પહેલાં જ કદાચ ઈમરાન જાણતો હતો કે પાકિસ્તાનનો વડાપ્રધાન બનવાનો છે.
ઈમરાન ખાને જેની સાથે ત્રીજા લગ્ન કર્યા તે અન્ય કોઈ નહીં પરંતુ તેની પીર છે. ઈમરાન ખાન રાજનીતિથી લઈ અંગત જીવન સુધીના ફેંસલા બુશરા માનકાની સલાહ પર લેતા હોવાનું માનવામાં આવે છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાની ચેનલ 'કપિલ ટીવી' પર એક સમાચાર દર્શાવાયા હતા. જે મુજબ બુશરાએ ઈમરાન ખાનને જણાવ્યું હતું કે જો તે ત્રીજા લગ્ન કરશે તો પાકિસ્તાનના વડાપ્રધાન બનશે.
પાકિસ્તાની મીડિયા મુજબ ઈમરાન ખાન છેલ્લા થોડા વર્ષોથી તમામ મહત્વપૂર્ણ ફેંસલો લેતા પહેલા બુશરા સાથે ચર્ચા વિચારણા કરતા હતા. આશ્ચર્યની વાત એ પણ છે કે બુશરા પહેલા તેની બહેન ડોક્ટર મરિયમ રિયાઝ બટ્ટૂ સાથે ઈમરાનના લગ્નના અહેવાલ આવ્યા હતા. જોકે બંનેએ તેને ફગાવી દીધા હતા.
ઈમરાન ખાન બુશરાને વર્ષ 2015માં પ્રથમવાર મળ્યો હતો. તે સમયે કોઈ સીટ પર તેના ઉમેદવારની જીતનો સવાલ કરવા પહોંચ્યો હતો. તે સમયે બુશરાએ કહ્યું હતું કે પીટીઆઈ ઉમેદવારની જીત થશે અને પરિણામ તેની તરફેણમાં જ આવશે. પરિણામો પણ બુશરાની ભવિષ્યવાણી મુજબના જ આવ્યા હતા.
જે બાદ ઈમરાન ખાન સતત બુશરા માનેકાને મળવા જતો હતો. બુશરાએ ઈમરાનને કહ્યું હતું કે, જો તમારે વડાપ્રધાન બનવું હોય તો ત્રીજા લગ્ન જરૂરી છે. તે સમયે કોઈને ખબર પણ નહોતી કે ઈમરાન બુશરા સાથે જ ત્રીજા લગ્ન કરી લેશે.