નવી દિલ્લીઃ પાકિસ્તાન અને ભારત વચ્ચે સરહદ પર તણાવભરી સ્થિતિ છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન તરફથી સરહદ પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને ધમકી આપી હતી કે, પાકિસ્તાનના એક સૈનિકના મોતના બદલામાં તેઓ ત્રણ ભારતીય જવાનોનો જીવ લેશે. એક કાર્યક્રમમાં બોલતા આસિફે કહ્યું કે, પાકિસ્તાન સામે યુદ્ધ ભારતને ભારે પડી શકે છે. સરહદ પરની અશાંતિનો ઉલ્લેખ કરીને આસિફે ભારતની કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો લેવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. આસિફે આરોપ લગાવ્યો કે પાકિસ્તાનમાં થઇ રહેલી આતંકવાદી પ્રવૃતિ પાછળ ભારત જવાબદાર છે અને પાકિસ્તાન પાસે તેના પુરાવા છે. ભારત પાકિસ્તાન-ચીન ઇકોનોમિક કોરિડોર ઇચ્છતો નથી કારણ કે આ કોરિડોર પાકિસ્તાન માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.