IMF Advice to Pakistan : દેવાળિયા થવાની કગાર પર ઉભેલા પાકિસ્તાનના ગાલ પર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ સણસણતો તમાચો ઝિંક્યો છે. મોટી આશાઓ સાથે લોન લેવા ગયેલા પાકિસ્તાનને IMFએ ખાસ સલાહ આપી હતી. IMFએ કહ્યું હતું કે, પાકિસ્તાને પોતાનો ખર્ચ ઘટાડવાની જરૂર છે. IMF પાકિસ્તાનના નાણા મંત્રાલય અને ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR)ની કામગીરીથી સંતુષ્ટ નથી ના હોવાનું પાકિસ્તાનના માધ્યમો દ્વારા સામે આવ્યું છે. 


IMF જુલાઈ મહિનામાં પાકિસ્તાન માટે લોનની રકમ વધારવા સંમત થયું હતું. જે અંતર્ગત પાકિસ્તાનને 1.2 અબજ ડોલરની વધારાની લોન આપવાની વાતચીત થઈ હતી. જો આ લોન મળે તો પાકિસ્તાન પર IMF પાસેથી 7 અબજ ડોલરનું દેવું થઈ જશે. રોયટર્સ અનુસાર, IMFએ પાકિસ્તાનને લોન પ્રોગ્રામની નવમી સમીક્ષા પહેલા ખર્ચ ઘટાડવાની સલાહ આપી છે.


પાકિસ્તાનની આર્થવ્યવસ્થા ડામાડોળ


પાકિસ્તાન ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ગયા વર્ષે જ્યાં પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા ઉભી થઈ હતી તો પૂરના કારણે પાકિસ્તાનના એક તૃતિયાંશ લોકો એટલે કે લાખો લોકો સપાટામાં આવી ગયા હતાં. પરિણામે પૂરમાં પણ પાકિસ્તાનને આર્થિક રીતે ઘણું નુકસાન થયું હતું અને પહેલાથી જ નબળી અર્થવ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. પાકિસ્તાને વૈશ્વિક મંચ પર પણ મદદની માંગી હતી. પાકિસ્તાને ઝોળી ફેલાવતા ઘણા દેશોએ માનવતા દાખવી ઘણી આર્થિક મદદ કરી હતી. 


હાલમાં પાકિસ્તાનમાં મોંઘવારીનો દર આસમાને છે. ઓગસ્ટમાં પાકિસ્તાનનો મોંઘવારી દર છેલ્લા 13 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે હતો. મોંઘવારી દરને અંકુશમાં રાખવા માટે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને વ્યાજ દરોમાં 100 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 16 ટકા કરી દીધો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ તો સૌથી ચિંતાજનક બાબત છે. 


રાજકીય અસ્થિરતા એક મુખ્ય કારણ


રાજકીય ખળભળાટ અને રાજકીય અસ્થિરતાને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે, રાજકીય અસ્થિરતાને કારણે ફોરેન રિઝર્વ ઝડપથી ઘટી રહી છે.


હાલમાં પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણનો ભંડાર પણ ચિંતાજનક સ્તરે છે. પાકિસ્તાની ચેનલ જિયોના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ 8 બિલિયનથી ઓછું છે. આ રકમ છ અઠવાડિયાની આયાત માટે પણ પૂરતી નથી. વર્લ્ડ બેંક અને ADB (એશિયન ડેવલપમેન્ટ બેંક) તરફથી તાજેતરમાં કરવામાં આવેલા નવા રોકાણો છતાંયે આ ભંડારમાં થઈ રહેલો સતત ઘટાડો પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે.


વિદેશી દેવુ ડિફોલ્ડ થવાનો ડર


પાકિસ્તાન પર વિદેશી દેવુ પણ ઘણું વધારે છે. ઈસ્લામિક બોન્ડ દ્વારા લેવામાં આવેલી એક અબજ ડોલરથી વધુની લોનની બોન્ડની ચુકવણી 5 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે. આ લોન પર ડિફોલ્ટ થવાના અહેવાલો વચ્ચે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના વડા જમીલ અહેમદે કહ્યું હતું કે, પાકિસ્તાન નિયત તારીખના ત્રણ દિવસ પહેલા 2 ડિસેમ્બરે બોન્ડની ચુકવણી કરી નાંખશે.


સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ગવર્નર જમીલ અહેમદે કહ્યું હતું કે, બોન્ડ પેમેન્ટ માટે એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક અને અન્ય માધ્યમો દ્વારા 500 મિલિયનની વ્યવસ્થા કરવામાં આવી છે.