યુએનની મહાસભામાં ભાગ લેવા અમેરિકા આવતા પહેલા ઈમરાન સાઉદી અરબ ગયા હતા. સાઉદીથી ઈમરાન કોમર્શિયલ ફ્લાઈટથી ન્યૂયોર્ક જવાના હતા પરંતુ સાઉદી પ્રિન્સે તેમને પોતાનું ખાસ પ્લેન આપ્યું હતું. તે આ જ વિમાનથી યુએનના સેશન બાદ પાકિસ્તાન પરત ફરી રહ્યા હતા. પરંતુ વિમાનને અડધા રસ્તેથી પાછુ લઈ જવામાં આવ્યું હતુ. હવે પાકિસ્તાનના સાપ્તાહિક ફ્રાઈડે ટાઈમ્સે દાવો કર્યો છે કે વિમાનને ટેકનિકલ ક્ષતિના કારણે નહીં પરંતુ મોહમ્મદ બિન સલમાનની નારાજગીના કારણે પરત લાવવામાં આવ્યું હતું.
અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ સમર્થકોને લાગે છે કે ઈમરાને કાશ્મીર, ઈસ્લામોફોબિયા જેવા ખાસ મુદ્દા પર ધારદાર વાતો કરી હતી. તેમને તેનાથી કોઈ ફરક પડતો નથી કે જ્યારે ઈમરાન બોલી રહ્યા હતા ત્યારે હોલ અડધો ખાલી છે અને ઈમરાને માની લીધું હતું કે પાકિસ્તાન અલકાયદા આતંકવાદીઓને ટ્રેનિંગ આપતા હતા. તેમને તેનાથી કોઈ ફરક પડતો નથી કે ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતની આશા પહેલાથી જ ધૂંધળી બની ગઈ છે અને એક ક્ષેત્રીય મુદ્દો ઈસ્લામી પાકિસ્તાન અને હિન્દુ ભારતનો મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે.
ફ્રાઇડે ટાઇમ્સે લખ્યું કે, ‘આ યાત્રાનાં કેટલાક અનિચ્છનીય પરિણામો પણ રહ્યા. સાઉદી પ્રિંસ મોહમ્મદ બિન સલમાન ન્યૂયૉર્કમાં પાકિસ્તાની પ્રધાનમંત્રીની રણનીતિનાં કેટલાક પાસાઓથી એટલા અલગ થઈ ગયા કે તેમણે પોતાનું ખાનગી વિમાન પરત બોલાવીને અને તેમાથી પાકિસ્તાની પ્રતિનિધિમંડળને નીકાળીને ઇમરાનને ફટકાર લગાવી.’ મેગેઝિન પ્રમાણે ઇસ્લામિક બ્લોકનું નેતૃત્વ કરવાની ઇમરાનનાં પ્રયત્નો સાઉદી અરબને પસંદ આવ્યા નહીં. આ ઉપરાંત પાકિસ્તાન તરફથી ઈરાન સાથે સંબંધ મજબૂત કરવા પર પણ નારાજગી હતી.’
જો કે પાકિસ્તાન સરકારનાં પ્રવક્તાએ ફ્રાઇડે ટાઇમ્સનાં રિપોર્ટને ફગાવી દીધો છે અને સંપૂર્ણ ખોટો રિપોર્ટ ગણાવ્યો છે. પ્રવક્તાએ આ સમાચારને મનઘડંત ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, “સાઉદી પ્રિંસ તરફથી વિમાનને પરત બોલાવી લેવાના સમાચાર મનઘંડત છે. પાકિસ્તાન અને સાઉદી અરબનાં શાસકો વચ્ચે સારા સંબંધ છે. રિપોર્ટમાં પ્રધાનમંત્રીની વિશ્વનાં નેતાઓ સાથેની સફળ વાતચીતને નબળી ગણાવવાનો પ્રયત્ન થયો છે.”