રિયાધઃ સાઉદી અરેબિયાએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ટૂરિસ્ટ વિઝાની શરૂઆત કર્યા બાદ હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ મુસ્લિમ દેશે વિદેશી પુરુષો અને મહિલાઓને હવે હોટલમાં એક રૂમમાં રોકાવા માટેની મંજૂરી આપી દીધી છે. આ માટે સંબંધિત મહિલા અને પુરુષે એ સાબિત કરવાની જરૂર નહી રહે કે તે સંબંધી છે. એટલું જ નહી સાઉદી મહિલાઓને પણ પોતાના માટે હોટલની રૂમ બુક કરાવવાની મંજૂરી આપી દીધી છે. આ અગાઉ તેની મંજૂરી નહોતી.


વાસ્તવમાં સાઉદી અરેબિયાએ પ્રવાસન અને નેશનલ હેરિટેજ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, સાઉદી અરેબિયાના નાગરિકોને ફેમિલી આઇડી અથવા રિલેશનશીપનું પ્રમાણપત્ર આપવું પડતુ હતું જ્યારે વિદેશી કપલ્સ માટે આવું નહોતું. તે સિવાય મહિલા પણ હોટલમાં રૂમ બુક કરાવીને એકલી રોકાઇ શકતી હતી. આ અગાઉ સાઉદીમાં આમ કરવું પ્રતિબંધિત હતું. અત્યાર સુધી સાઉદી અરેબિયામાં વિદેશી કપલને રૂમ લેવા માટે પોતાનો સંબંધ સાબિત કરવો પડતો હતો. સાઉદીમાં લગ્ન વિના મહિલા અને પુરુષ એક સાથે રહેવા પર પ્રતિબંધ છે.

સાઉદીએ નવી ટૂરિસ્ટ વિઝા નીતિ હેઠળ આ નિર્ણય લીધો છે. તે ઇચ્છે છે કે તેને ત્યાં વિદેશી પ્રવાસીઓ વધુમાં વધુ આવે જેથી રોકાણ વધી શકે. એવુ માનવામાં આવી રહ્યું છે કે આ પગલાથી સાઉદીની મહિલાઓને પ્રવાસ કરવામાં સરળતા રહેશે. તે સિવાય અપરણિત વિદેશી પ્રવાસીઓને સાઉદી અરેબિયા જેવા દેશમાં એક સાથે રહેવામાં મદદ મળશે. આ અગાઉ સાઉદીએ જાહેરાત કરી હતી કે હવે પ્રવાસીઓને બુરખો પહેરવાની જરૂર નથી. જોકે તેઓ શાલીન કપડા જરૂર પહેરે.