લાહોરઃ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાને પંજાબના કેબિનેટ મંત્રી અને ભારતના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુનો ખુલીને બચાવ કર્યો છે. ઈમરાને સિદ્ધુને શાંતિ દૂત ગણાવીને તેની આલોચના કરનારા પર નિશાન સાધ્યું છે. ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા અને પાકિસ્તાની સેના પ્રમુખને ગળે લગાવવાના કારણ નવજોત સિંહ સિદ્ધુ કડક આલોચનાનો સામનો કરી રહ્યો છે.


પાકિસ્તાનના નવનિયુક્ત વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, સિદ્ધુ શાંતિનો દૂત છે. તેને પાકિસ્તાનની જનતા તરફથી અદભૂત પ્રેમ અને સ્નેહ મળ્યો. હું સિદ્ધુની આલોચના કરનારા લોકો શાંતિના પક્ષમાં નથી.  ઈમરાન ખાને કહ્યું કે, ભારત અને પાકિસ્તાને મંત્રણા માટે આગળ આવવું જોઈએ અને કાશ્મીર સહિત તમામ વિવાદિત મુદ્દા ઉકેલવા જોઈએ. ઈમરાન ખાને પાકિસ્તાન આવવા બદલ સિદ્ધુનો આભાર પણ માન્યો હતો. ઈમરાન ખાને એમ પણ કહ્યું કે, ગરીબી નાબૂદ અને વિકાસનો સૌથી શ્રેષ્ઠ રસ્તો વાતચીત દ્વારા મતભેદને હલ કરવા અને વેપાર શરૂ કરવાનો છે.

સિદ્ધુએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ગળે મળવા પર કહ્યું, તેઓએ મને કહ્યું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ. જે બાદ હું ભાવુક થઈ ગયો તેથી ગળે લગાવ્યા. પરંતુ જે પ્રકારે મારી યાત્રાની આલોચનાન કરવામાં આવી તેનાથી દુઃખી છું.

સિદ્ધુએ કહ્યું કે, મારી યાત્રા કોઈ પણ રીતે રાજકીય નહોતી. તેથી આ પ્રકારની આલોચના કરવી ખોટી છે. મને 10 વખત આમંત્રણ મળ્યું હતું જે બાદ મેં ભારત સરકારની મંજૂરી લીધી હતી. પહેલા મને મંજૂરી આપવામાં નહોતી આવી. હું રાહ જોઈ રહ્યો હતો. બે દિવસ બાદ મને પાકિસ્તાની સરકારે વીઝા આપ્યા તો સુષ્મા સ્વરાજે ખુદ ફોન કરીને મને સૂચના આપી હતી.