ઇસ્લામાબાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિઠ્ઠી લખીને બંને દેશો વચ્ચે બંધ પડેલી વાતચીત શરૂ કરવા તરફ ઈશારો કર્યો હોવાનો પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ દાવો કર્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રીના આ નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે પાકિસ્તાનને ચિઠ્ઠી તો લખવામાં આવી છે, પરંતુ કોઈ નવા પ્રકારની વાતચીતને લઈ પડોશી રાષ્ટ્ર સાથે વાત કરી રહ્યા છે કે આ ચિઠ્ઠીને લઈ તમારી શું વ્યાખ્યા છે.


પાકિસ્તાને ભારત ફરી વાતચીત શરૂ કરવા તૈયાર હોવાનું કહ્યું છે જ્યારે ભારત સરકારે તેનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન તરફથી આતંકી હુમલા નહીં અટકે ત્યાં સુધી સકારાત્મક વાતચીત શક્ય નથી.

વિદેશ મંત્રી કુરેશીનું કહેવું છે કે બંને દેશો વચ્ચેનો મામલો ગૂંચવણભર્યો છે અને અમે ન માત્ર પડોશી છીએ પરંતુ અણુ શક્તિ ધરાવે છે. ભારતે મંત્રણા ફરીથી શરૂ કરવાની વાત કરી છે. હું વડાપ્રધાન મોદીને કહેવા માંગુ છું કે બંને દેશ એકબીજાના પૂરક જ છે. આપણે રીસાઈને એકબીજાથી મોઢું ન ફેરવી શકીએ. ભારત અને પાકિસ્તાનની સમસ્યા એક જેવી જ છે.

તેમણે કહ્યું કે, શાંતિથી વાતચીત કરવી જ એકમાત્ર વિકલ્પ છે. ભારતે દુઃસાહસ છોડવું પડશે અને આગળ વધવું પડશે. અમે જાણીએ છીએ કે મુદ્દો ઘણો મુશ્કેલ છે અને તરત તેનો ઉકેલ ન  આવી શકે પરંતુ આપણે આગળ આવવું પડશે.

કાશ્મીર રાગ આલાપતાં કુરેશીએ કહ્યું કે, કાશ્મીર એક સચ્ચાઈ છે. જેને બંને દેશો સમજે છે પરંતુ ભારત અને પાકિસ્તાને આ મુદ્દા સામે રાખીને આગળ વધવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાને કોઈ પણ જાતના અવરોધ વગર સતત વાતચીત કરવી પડશે.